(ANI Photo)

કોંગ્રેસ પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે દેશ કોંગ્રેસને તેના પાપોની સજા કરી રહ્યો છે અને એક સમયે 400 બેઠકો જીતી ચૂકેલી પાર્ટી આ લોકસભા ચૂંટણીમાં 300 બેઠકો પર લડવા માટે ઉમેદવારો શોધી શકતી નથી. સોનિયા ગાંધી પર ગર્ભિત પ્રહાર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે જેઓ ચૂંટણી જીતી શકતા નથી, તેઓ મેદાન છોડીને ભાગી ગયા છે અને રાજસ્થાનથી રાજ્યસભામાં આવ્યા છે.મોદીએ આક્ષેપ કર્યો હતો કે 60 વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસે આપણી માતાઓ અને બહેનોને શૌચાલય, ગેસ, વીજળી, પાણી, બેંક ખાતા જેવી નાની વસ્તુઓથી પણ વંચિત રાખ્યા હતાં.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ફેબ્રુઆરીમાં રાજસ્થાનથી રાજ્યસભા ચૂંટાયા હતાં. આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ ચૂંટણીમાં ઊભા રહ્યાં નથી. જોકે કોંગ્રેસ એવા આક્ષેપોને ફગાવી રહી છે કે તેના નેતાઓને ચૂંટણી લડવાનો ડર છે.

રાજસ્થાનના જાલોરમાં એક ચૂંટણી સભા સંબોધતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે સગાંવાદ અને ભ્રષ્ટાચાર રૂપી ઉધઈ ફેલાવીને દેશને કોરી ખાધો છે. આજે દેશ કોંગ્રેસથી નારાજ છે અને તેને આ પાપોની સજા આપી રહ્યો છે. યુવાનો એટલા ગુસ્સામાં છે કે તેઓ ફરી વાર કોંગ્રેસનું મોઢું જોવા માંગતા નથી. કોંગ્રેસ તેની હાલની સ્થિતિ માટે પોતે જ જવાબદાર છે. જે પાર્ટી એક સમયે 400 બેઠકો જીતી હતી તે 300 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી શકતી નથી. આજે કોંગ્રેસની હાલત એવી છે કે તે ઉમેદવારો શોધી શકતી નથી. તેમણે એક તકવાદી INDI એલાયન્સ બનાવ્યું છે. તે એક પતંગ જેવું છે, જેની દોરી ઉડતા પહેલા જ કાપી નાખવામાં આવી છે. તે માત્ર નામનું જોડાણ છે, કારણ કે તેના ઘટક પક્ષો ઘણા રાજ્યોમાં એકબીજા સામે લડી રહ્યાં છે. આ લોકસભા ચૂંટણીમાં દેશમાં પચીસ ટકા બેઠકો એવી છે કે જ્યાં આ ગઠબંધનના લોકો એકબીજાને સમાપ્ત કરવામાં વ્યસ્ત છે. ચૂંટણી પહેલા આટલી લડાઈ થાય છે, તો તમે કલ્પના કરી શકો છો કે ચૂંટણી પછી તેઓ લૂંટ માટે કેટલી વધુ લડાઈ કરશે.

કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએના શાસનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ આક્ષેપ કર્યો હતો કે  કેટલાંક નેતાઓ કોંગ્રેસની આગેવાની હેઠળની નબળી સરકારને ધમકાવતા હતાં અને દરેક દેશને લૂંટવામાં વ્યસ્ત હતાં.વડાપ્રધાનની કોઈને પરવા ન હતી. સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. તેમની જ પાર્ટીના એક નેતા મીડિયા મીટિંગ બોલાવીને કેબિનેટના વટહુકમને ફાડીને ફેંકી દેતા હતા. શું અસ્થિરતાનું પ્રતિક કોંગ્રેસ પાર્ટી અને તેનો પરિવાર દેશને ચલાવી શકશે. દેશ ઈચ્છતો નથી કે 2014 પહેલા જે સ્થિતિ હતી તે પાછી આવે.

LEAVE A REPLY

2 × one =