પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં તાજેતરમાં સ્કૂલોના પાઠ્યપુસ્તકોમાં સત્તાધારી ભાજપે કરેલા ફેરફારનો વિવાદ ચાલી રહ્યો છે. મુખ્ય સલાહકારો સુહાસ પલશીકર અને યોગેન્દ્ર યાદવે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઇઆરટી)ના પોલિટિકલ સાયન્સના પુસ્તકોમાં  ફેરફારોને આપખુદ અને અતાર્કિક ગણાવીને પોતાના નામો તાકીદે કાઢી નાંખવાની માગણી કરી હતી. આ પુસ્તકોમાં મુખ્ય સલાહકાર તરીકે નામ આવતા હોવાથી પોતે શરમિંદગી અનુભવતા હોવાનું પણ જણાવ્યું છે.

પલશીકર અને યાદવ ધોરણ 9 થી 12ના પોલિટિકલ સાયન્સ મૂળ પુસ્તકોના મુખ્ય સલાહકાર હતા. તેમણે NCERTને પત્ર લખીને જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકોને તર્કસંગત બનાવવાની કવાયતથી પુસ્તકો “વિકૃત” થઈ ગયા છે અને તેમને “શૈક્ષણિક રીતે નિષ્ક્રિય” બનાવાયા છે. તર્કસંગતતાના નામે આ ફેરફારોને ન્યાયી ઠેરવવામાં આવ્યા છે, પરંતુ શિક્ષણશાસ્ત્રનું કોઇ તર્ક દેખાતું નથી. અમને લાગે છે કે પુસ્તકોને ઓળખી પણ ન શકાય તેટલા વિકૃત કરાયા છે. પુસ્તકોની સામગ્રીમાં અસંખ્ય અને અતાર્કિક કાપ મૂકાયા છે અને મોટાપાયે કપાત કરાઈ છે તથા ગાબડા ભરવા માટે કોઇ પ્રયાસો થયા નથી.

પલશીકર અને યાદવ નામોનો દરેક પુસ્તકની શરૂઆતમાં “વિદ્યાર્થીઓને પત્ર” અને પાઠ્યપુસ્તક વિકાસ ટીમની યાદીમાં ઉલ્લેખ કરાયો છે.

પત્રમાં જણાવાયું છે કે આ પાઠ્યપુસ્તકોની તૈયારી સાથે સંકળાયેલા શિક્ષણવિદો તરીકે અમે શરમ અનુભવીએ છીએ કે આ વિકૃત અને શૈક્ષણિક રીતે નિષ્ક્રિય પાઠ્યપુસ્તકોના મુખ્ય સલાહકાર તરીકે અમારા નામોનો ઉલ્લેખ થાય છે. તર્કસંગતતાના નામે ટેક્સ્ટને ફરીથી આકાર આપવાની સમગ્ર પ્રક્રિયા સાથે અમે અમારી સંપૂર્ણ અસંમતિ સ્પષ્ટપણે નોંધવા માંગીએ છીએ. અમે બંને આ પાઠ્યપુસ્તકોથી પોતાને અલગ કરવા માંગીએ છીએ અને NCERTને અમારા નામો પડતાં મૂકવાની વિનંતી કરીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિનંતિને તાત્કાલિક અમલ કરો અને ખાતરી કરો કે NCERT વેબસાઈટ પર ઉપલબ્ધ પાઠ્યપુસ્તકોની સોફ્ટ કોપીમાં અને ત્યારપછીની પ્રિન્ટ એડિશનમાં અમારા નામનો ઉપયોગ ન થાય.

LEAVE A REPLY

one × five =