Controversy over Deepika's saffron bikini in 'Pathan'
(ANI Photo)

બોલિવૂડ અભિનેતા શાહરુખ 25 જાન્યુઆરી 2023એ રિલીઝ થનારી તેની ફિલ્મ ‘પઠાણ‘ સાથે ફિલ્મી પડદે કમબેક કરી રહ્યાં છે, પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલું આ ફિલ્મનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ વિવાદમાં સપડાયું છે. રિલીઝ થયા બાદ સોશ્યલ મીડિયા પર ઘણું ટ્રોલ થયું હતું અને ફિલ્મને બોયકોટ કરવાની સોશ્યલ મીડિયા પર ઝુંબેશ ચાલી રહી છે. આ વિવાદ વચ્ચે કોલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભમાં પઠાણ વિવાદ પર શાહરૂખે આપી પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ વિવાદ પર જવાબ આપતા કહ્યું હતું કે, ” દુનિયા ગમે તે બોલે પણ હજુ તમે, હું આપણે સૌ પોઝિટિવ છીએ”

ગીતમાં દીપિકા પાદુકોણે પહેરેલી મોનોકિની અને બિકીની તેમજ શાહરૂખ સાથેની ઈન્ટેન્સ કેમેસ્ટ્રીને લઈને વિરોધ થઈ રહ્યો છે. 14 ડિસેમ્બરે ભાજપ શાસિત મધ્યપ્રદેશના ગૃહ રાજ્યપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, ટુકડે-ટુકડે ગેંગની સપોર્ટર દીપિકા પાદુકોણના કપડા વાંધાજનક છે અને ફિલ્મ પણ ખરાબ માનસિકતા સાથે ફિલ્માવાયું છે. આ ફિલ્મના સીન્સ અને દીપિકાના કપડાને વ્યસ્થિત કરવામાં આવે નહીં તો ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ.

ગીતમાં દીપિકાએ એક ભગવા રંગની બિકીની પહેરી છે. જોકે, એક્ટ્રેસના બિકિની લૂક પર થઈ રહેલી બબાલને પાયલ રોહતગીએ મૂર્ખામી ગણાવી છે. એક્ટ્રેસ પાયલ રોહતગીનું કહેવું છે કે, જે વાંધો ઉઠાવાઈ રહ્યો છે તે, નકામો છે. રંગને ટાર્ગેટ કરવો અયોગ્ય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પાયલ રોહતગીએ કહ્યું કે, ‘હવે એવું તો નથી ને કે, દીપિકા પાદુકોણે સનાતન ધર્મ સાથે જોડાયેલા આપણા ભગવાનોની તસવીર બિકીનીમાં મૂકી છે. એવામાં માત્ર એક રંગના કારણે તેને ટાર્ગેટ ના કરવી જોઈએ. હું જે રિયાલિટી શોમાં હતી તેમાં અમારો યુનિફોર્મ આ જ રંગનો હતો. અમે તેને લાત મારતા હતા અને ફાડતા પણ હતા. તો શું અમે પણ ખોટા હતા?’

પાયલ રોહતગીએ આ પ્રકારે વાંધો ઉઠાવનારા લોકોને મૂર્ખ ગણાવ્યા છે. પાયલનું માનવું છે કે, વિરોધ કરી રહેલા લોકોનું વલણ અને એજન્ડા માત્ર પબ્લિસિટી માટે છે. પાયલનું કહેવું છે કે, લોકો વિના કારણે દીપિકાને ટાર્ગેટ કરી રહ્યા છે. પાયલે સવાલ ઉઠાવ્યો કે, જો દીપિકા આ ગીત અને બિકીનીમાં અશ્લીલ લાગી રહી છે તો પછી આ દેશમાં પોર્ન કેમ જોવાય છે? અહીં દેશમાં લોકોએ પોર્ન એક્ટ્રેસિસને માથે બેસાડી છે.

‘પઠાણ’ ફિલ્મ સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મનું ગીત ‘બેશરમ રંગ’ 12 ડિસેમ્બરે રિલીઝ થયું છે. માત્ર ગણતરીના કલાકોમાં જ ગીતને કેટલાય મિલિયન વ્યૂઝ મળ્યા હતા. ગીતમાં દીપિકા મોનિકિનીથી બિકીની સુધીના વિવિધ અવતારમાં જોવા મળી હતી. પરંતુ ભગવા રંગની બિકીની પર બબાલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ ઉપરાંત જોન અબ્રાહમ પણ જોવા મળશે.

LEAVE A REPLY

six − four =