ભારતમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને સતત બીજા દિવસે એક લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 1 લાખ 26 હજાર કરતા વધુ કેસ નોંધાયા હતા અને 685 લોકોના મોત થયા હતા, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું.

નવા કેસની સંખ્યામાં વધારો થવાની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. દેશમાં એક દિવસમાં નવા 1,26,789 કેસ નોંધાયા હતા અને તેનાથી કોરોનાના કુલ કેસનો આંકડો 1,29,28,574 પર પહોંચી ગયો હતો. કુલ મૃત્યુઆંક વધીને 1,66,862 થયો હતો.

હાલ દેશમાં કોવિડ-19 એક્ટિવ કેસની સંખ્યા 9,10,319 પર પહોંચી ગઈ છે, પાછલા 24 કલાકમાં વધુ 59,258 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે અથવા કોરોના મુક્ત થયા છે. આ પહેલા દેશમાં સૌથી વધુ કોરોના કે 1,15,736 મંગળવારે નોંધાયા હતા. આ ત્રીજો દિવસ છે કે દેશમાં કોરોનાના નવા કેસ 1 લાખને પાર ગયા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ બુધવારે 12,37,781 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટ માટે લેવામાં આવેલા સેમ્પલની સંખ્યા 25,26,77,379 થાય છે.