પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઑફિસ ઑફ નેશનલ સ્ટેટિસ્ટિક્સના અંદાજ પ્રમાણે બ્રિટનમાં વસતા અડધા લોકોમાં ચેપ અને રસીકરણના કરણે કોવિડ-19 સામેના એન્ટિબોડીઝ ડેવલપ થઇ ગયા છે. બીજી રીતે કહીએ તો આવા લોકો કોરોનાવાયરસના ભાવિ ચેપ સામે ઝીંક ઝીલી શકે તેટલા મજબૂત થઇ ગયા છે.

ઇંગ્લેન્ડના ઘરોમાં લગભગ 54.7 ટકા લોકોએ 14 માર્ચ દરમિયાન એન્ટિબોડીઝ માટે પોઝીટીવ ટેસ્ટીંગ કર્યું હોવાની સંભાવના છે. 80 વર્ષથી ઉપરના લોકોમાં આ પ્રમાણ 86 ટકા હોવાની સંભાવના છે. જો કે આ આંકડાઓમાં હોસ્પિટલો અને કેર હોમ્સનો સમાવેશ થતો નથી. ONSના આંકડા મુજબ નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં આ પ્રમાણ 60 ટકાથી માંડીને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 50.3 ટકા સુધીનું છે. સ્કોટલેન્ડમાં લગભગ 42.6 ટકા, વેલ્સમાં 50.5 ટકા અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 49.3 ટકા લોકોમાં એન્ટિબોડીઝ હાજર જણાયા છે.

જેમને ભૂતકાળમાં કોવિડ-19નો ચેપ લાગ્યો હોય અથવા રસી આપવામાં આવી હોય તેમના શરીરમાં કોરોનાવાયરસના એન્ટિબોડીઝ મળે છે. કોવિડ-19 સામે લડવા માટે પૂરતા એન્ટિબોડીઝ બનાવવા શરીરને ચેપ અથવા રસીકરણ પછી બે થી ત્રણ અઠવાડિયાની વચ્ચેનો સમય લાગે છે.

યુકેમાં અત્યાર સુધીમાં 30.15 મિલીયન લોકોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ અપાયો છે અને 4.3 મિલિયનથી વધુ લોકોને વાયરસ લાગ્યો છે. સરકારે વચન આપ્યું છે કે જુલાઈના અંત સુધીમાં તમામ પુખ્ત વયના લોકોને કોરોનાવાયરસની રસી અપાવામાં આવશે. રસીકરણના કારણે એન્ટિબોડીઝનું સ્તર સતત વધી રહ્યું છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટી, માન્ચેસ્ટર યુનિવર્સિટી અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા વસ્તીમાં રહેલા વાયરસને ટ્રેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.