ભારતમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે લાગુ કરાયેલા લૉકડાઉનના ચોથો તબક્કો શરૂ થતાં રાજ્યોએ આર્થિક પ્રવૃત્તિઓ ફરી ધમધમતી કરવા માટે વ્યાપક છૂટછાટો આપ્યાના પ્રથમ દિવસે જ અનેક રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાના ૫,૦૦૦થી વધુ નવા દર્દીઓ સાથે કુલ કેસની સંખ્યા ૧,૦૫,૪૯૮ થઈ છે. એક જ દિવસમાં કોરોનાથી ૬૭નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૩,૧૫ થયો છે અને ૪૧,૭૪૭ દર્દીઓ સાજા થયા છે, જેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

દેશમાં પરપ્રાંતીય મજૂરો વતન પરત ફરી રહ્યાં છે અને વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા હોવાથી કોરોનાનો પ્રસાર વધ્યો છે. વધુમાં દેશમાં કોરોનાના ટેસ્ટિંગ પણ વધ્યા હોવાથી અનેક રાજ્યોમાં કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ હોવા છતાં મૃત્યુદર ઘણો ઓછો છે. ઉપરાંત ભારતને કોરોનાના એક લાખ કેસ સુધી પહોંચતા અન્ય દેશો કરતાં વધુ સમય લાગ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૧,૭૪૭ દર્દીઓ સાજા થયા છે. આમ, ૬૦,૬૦૦થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. ભારત કોરોનાના એક્ટિવ એટલે કે સારવાર હેઠળના કેસની દૃષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે છે. આ યાદીમાં ભારતની આગળ અમેરિકા, રશિયા, બ્રાઝિલ, ફ્રાન્સ, ઈટાલી અને પેરુનો સમાવેશ થાય છે.

કોરોનાથી મૃત્યુદરના સંદર્ભમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રતિ એક લાખની વસતીએ અમેરિકામાં મૃત્યુદર ૨૬.૬, બ્રિટનમાં ૫૧.૨, ઈટાલીમાં ૫૨.૮, ફ્રાન્સમાં ૪૧.૯, સ્પેનમાં ૫૯.૨ અને બેલ્જિયમાં ૭૯.૩ લોકોના મોત થયા હતા. ભારતમાં આ મૃત્યુદર ૦.૨ ટકા સુધી મર્યાદિત રહ્યો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડાઓનો ઉલ્લેખ કરતાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાના કેસની સંખ્યા ૧૦૦થી વધીને ૧ લાખ થતાં ૬૪ દિવસનો સમય લાગ્યો હતો. અમેરિકા અને સ્પેન જેવા વિકસિત દેશોની સરખામણીએ આ સમય બમણાથી વધુ છે. વર્લ્ડઓમીટરના આંકડા મુજબ કોરોનાના કેસ ૧૦૦થી ૧ લાખ થતાં અમેરિકામાં ૨૫ દિવસ, સ્પેનમાં ૩૦ દિવસ, જર્મનીમાં ૩૫ દિવસ ઈટાલીમાં ૩૬ દિવસ, ફ્રાન્સમાં ૩૯ દિવસ અને બ્રિટનમાં ૪૨ દિવસનો સમય લાગ્યો હતો.

વધુમાં મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે ભારતમાં કોવિડ-૧૯નો મૃત્યુદર પ્રતિ એક લાખની વસતીએ ૦.૨ છે જ્યારે વિશ્વમાં આ દર ૪.૧ છે. દેશમાં કોવિડ-૧૯ના ટેસ્ટિંગની ક્ષમતા વિક્રમી ૧,૦૮,૨૩૩ સુધી પહોંચી ગઈ છે. કેરળ, ગોવા અને પૂર્વોત્તરના રાજ્યો સહિત દેશના કેટલાક ભાગોમાં કોરોનાનો બીજો અથવા ત્રીજો તબક્કો શરૂ થયો હોવાનું જણાય છે. લૉકડાઉનનો ચોથો તબક્કો શરૂ થવાની સાથે આ રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યામાં અચાનક નોંધપાત્ર ઊછાળો આવ્યો છે.

કેરળમાં મંગળવારે કોરોનાના નવા ૧૨ કેસ નોંધાયા હતા, જે તમામ વિદેશ અથવા અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો હતા. કેરળમાં ૭મી મેએ ગલ્ફમાંથી ભારતીયોને સ્વદેશ લવાતા રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાના નવા ૨,૧૦૦ કેસ નોંધાતા કુલ કેસ ૩૭,૧૫૮ થયા હતા જ્યારે કુલ મૃત્યુઆંક ૧૨૪૯ થયો હતો.