કોરોનાના સંદર્ભમાં વિદેશમાં નિવાસ કરતાં કે ફરવા ગયા હોય અને અમદાવાદ પરત આવે તેવા કુટુંબોનું 14 દિવસ સુધી મોનિટરીંગ કરવાનું મ્યુનિ.ના હેલ્થ ખાતા દ્વારા ચાલુ કરાયું છે. આવા કુટુંબો 14 દિવસ સુધી તેમના ઘરોમાં જ બંધ રહે તેવા હોમ-કોરેન્ટાઈનના આદેશ આપવામાં આવે છે. કોઈ સભ્યની તબિયત ખરાબ હોય તો તેમને 24 કલાક હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા બે સપ્તાહમાં 400થી 450 કુટુંબો વિદેશથી આવેલા છે. અત્યાર સુધીના શંકાસ્પદ કેસો આવા કુટુંબોમાંથી હોસ્પિટલોમાં દાખલ થયા હતા. આ કુટુંબો તેમના ઘરમાં જ રહે તે કડક સૂચના આપવામાં આવે છે. સેનેટાઈઝર્સ અને 14 જેટલાં માસ્કની કીટ તેમને પુરી પાડવામાં આવે છે, ઉપરાંત તેમના મકાન અને ફર્નિચર પર ચેપ ના રહે તે માટે ડિસ-ઈન્ફેકશન સ્પ્રે કરવામાં આવે છે.

આ માટે તમામ ઝોનમાં ટીમો તૈયાર કરવામાં આવી છે, જે કર્મચારીઓ આવા નાગરિકો બહાર ના નિકળે તેનું ધ્યાન રાખે છે, તેમજ પડોશીઓને પણ આ બાબતે સતર્ક રહેવા જણાવાય છે. અત્યાર સુધીમાં 100થી વધુ ઘરોમાં આ પ્રકારના સ્પ્રે કરવામાં આવેલ છે. દરમ્યાનમાં મ્યુનિ. કમિશનર વિજય નહેરા દ્વારા આજે એક મીટીંગ યોજી હતી જેમાં તમામ ડેપ્યુટી કમિશનરો, હેલ્થ ખાતું અને સોલીડ વેસ્ટ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જો રોગચાળો વધે તો એરપોર્ટની આસપાસ જ કોઈ મકાનમાં વિદેશથી આવતા નાગરિકોને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવાની સુવિધા ઉભી કરવાની પણ વિચારણા થઈ હતી. આ મકાન અદ્યતન સુવિધાથી સજ્જ હોય તેનો ખ્યાલ રખાશે. ઉપરાંત ડેપ્યુટી કમિશનરોને તેમના ઝોનના વિસ્તારમાં અંગત રીતે ધ્યાન આપવાની સુચના આપતાં જણાવ્યું હતું કે, નીચેના કર્મચારીઓ કે અધિકારીઓ પર સ્થિતિને ચોડી દેશો નહીં.