જાપાને કહ્યું છે કે તે અર્થતંત્રમાં ૯૮૯ અબજ ડૉલર (અંદાજે ૧ ટ્રિલિયન અથવા ૧ લાખ કરોડ ડૉલર)નું ફંડ માર્કેટમાં ઠાલવશે. તેનાથી માત્ર જાપાન નહીં આખા વિશ્વના અર્થતંત્રને મદદ મળશે. કેમ કે જાપાન જગતનું ત્રીજા ક્રમનું સૌથી મોટુ અર્થતંત્ર છે અને વર્લ્ડ ઈકોનોમી પર જાપાનનો પ્રચંડ પ્રભાવ છે. અમેરિકાએ અગાઉ ૨ ટ્રિલિયન ડૉલરથી વધુ રકમની સહાય જાહેર કરી હતી. એ પછી જાપાનની આ જાહેરાતથી વૈશ્વિક અર્થતંત્રને થોડી રાહત થઈ છે. આ રકમ જાપાનના કુલ વાર્ષિક ઉત્પાદનના ૨૦ ટકા જેટલી છે.

જાપાને ટોકિયો અને અન્ય છ વિસ્તારમાં ઇમર્જન્સી લાગુ કરી દીધી છે. જાપાનમાં હજુ કેસની સંખ્યા ચાર હજારથી ઓછી છે, પરંતુ ટોકિયોમાં ૧ હજાર કેસ નોંધાયા છે. માટે સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે એ પહેલા જ સરકારે આ નિર્ણય જાહેર કર્યો હતો. બીજી તરફ ઑસ્ટ્રેલિયામાં ૩.૬૧ લાખ લોકો પ્રોવિડન્ટ ફંડ અને અન્ય બચતના નાણા ઉપાડવા માટે સરકારને અરજી કરી રહ્યાં છે.

ઑસ્ટ્રેલિયા સરકારે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે આર્થિક સંકટમાં હોય એ લોકો આ પ્રકારની બચત ઉપાડી શકશે. એ પછી ૩.૬ લાખ લોકોની સરકાર પાસે અરજી આવી છે. આ અરજીમાં આગામી દિવસોમાં વધારો થાય તેવી પણ શક્યતા છે. ઑસ્ટ્રેલિયન સરકારનો અંદાજ છે કે આ રીતે દેશમાં કુલ ૧૬.૩ અબજ અમેરિકી ડૉલર જેટલી રકમ લોકો ઉપાડશે. એ રકમ અર્થતંત્રમાં ફરતી થશે તો આર્થિક સ્થિતિ બગડતી અટકાવી શકાશે.

ફ્રાન્સના નાણામંત્રી બુ્રનો માયરે કહ્યું હતુ કે બીજા વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સના અર્થતંત્ર માટે આ સૌથી ગંભીર પરિસ્થિતિ છે. આગામી દિવસોમાં વધારે ઘાતક મંદી આવી શકે છે, એવી ચેતવણી પણ બુ્રનોએ આપી હતી. ૨૦૦૯ની મંદી આવી ત્યારે અર્થતંત્રમાં ૨.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેનાથી પણ વધારે ઘટાડો આ સંજોગોમાં નોંધાશે એમ માયરે કહ્યું હતુ. જાપાનના પેકેજમાં લોકોને ૨૮૦૦ ડૉલરની રોકડ સહાયનો પણ સમાવેશ થાય છે. લોકોના હાથમાં રોકડ આવવાની શરૂઆત થશે પછી અર્થતંત્રને ફરીથી ધમધમતું બનતા વાર નહીં લાગે, એવો સરકારે આશાવાદ રજૂ કર્યો હતો.