ભારતમાં ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ થયા બાદ હવે નવી મુસીબત આવી છે. એર ઈન્ડીયા અને ઈન્ડીગોના વિમાનમાં બે યાત્રીઓ કોરોના સંક્રમીત મળી આવતા હડકંપ મચી ગયો હતો. એર ઈન્ડિયાની દિલ્હી-લુધીયાણા ફલાઈટમાં એક કોરોના દર્દીએ યાત્રા કર્યા પછી પ્લેનના દરેક યાત્રી અને ક્રુ મેમ્બર્સને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

જયારે બીજી બાજુ ખાનગી એરલાઈન્સ ઈન્ડીગોએ મંગળવારે ચેન્નઈ-કોઈમ્બતુર ઉડાનના ક્રુ મેમ્બર્સને ડયુટી પરથી હટાવી દીધા હતા. આ ઉડાનમાં યાત્રા કરનાર એક વ્યક્તિ કોરોના સંક્રમીત બહાર આવ્યા બાદ વિમાન કંપનીએ આ નિર્ણય લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક ખાનગી કંપનીના વિમાનથી આવેલા 24 વર્ષના વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

અન્ય યાત્રીઓમાં સંક્રમણ નથી જોવા મળ્યું તેમ છતાં તેમને તેમના ઘેર 14 દિવસ માટે કવોરન્ટાઈન કરાયા છે. દરમિયાન દિલ્હી-લુધીયાણાની એક ફલાઈટમાં એક કોરોના દર્દી મળવાથી વિમાનના દરેક યાત્રીઓને કવોરન્ટાઈન કરાયા છે. ઉલ્લેખનીય છે કે વિમાન યાત્રા માટે સરકારે કઠોર નિયમ બનાવ્યા છતાં વિમાનમાં કોરોનાગ્રસ્ત યાત્રીઓ આવી ગયા હતા જે ગંભીર બાબત છે અને બેદરકારી પણ છતી થઈ છે.