istockphoto

વિશ્વભરના લોકો હાલ કોરોના વાયરસની રસી તૈયાર થાય તેની રાહ જોઇ રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા પ્રમાણે 40 દેશોમાં ૧૭૦ સંશોધકો અને લેબોરેટરીઓ કે કંપનીઓ કોરોનાની વેક્સિન પર કામ કરે છે. એ પૈકી ૧૪૯ રસી એવી છે, જે હજુ પ્રિ-ક્લિનિકલ ટ્રાયલના સ્તરે છે. ૨૯ રસી એવી છે, જેનું મર્યાદિત સંખ્યામાં લોકો પર ટેસ્ટિંગ થઈ રહ્યું છે. ૧૮ રસી એવી છે, જે પ્રથમ ટ્રાયલમાં સલામત જણાતા બીજા તબક્કાના પરીક્ષણમાંથી પસાર થઈ રહી છે. એ પૈકીની વળી ૯ રસી એવા તબક્કે છે જેનો મોટા જનસમુહ પર પ્રયોગ થઈ રહ્યો છે. પરંતુ આ પૈકી કોઈ રસીને કોરોનાની રસી તરીકે મંજૂરી મળી નથી.

થોડો સમય અટકાવી દીધા પછી આખા જગત માટે આશાસ્પદ ગણાતી ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેન્કાની રસી ફરીથી પરીક્ષણ માટે તૈયાર થઈ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે ૨૦૨૧ના મધ્યાંતર પહેલા આખા જગતને રસી પહોંચતી થાય એવી શક્યતા બહુ ઓછી છે. રસી તૈયાર થયા પછી પણ તેને ખૂણેખૂણે પહોંચતી કરવી એ મોટો પડકાર છે. અત્યારના અંદાજ પ્રમાણે આખા જગતને ૧૦ અબજ ડૉઝની જરૃર પડી શકે છે. એ ડોઝ પહોંચાડવા માટે આખા જગતમાં આઠ હજારથી વધારે મોટા કદના વિમાનો ઉડાડવા પડે.
રસી ગમે તે તાપમાને સાચવી ન શકાય. તેને ઠંડા પેકિંગમાં જ રાખવી પડે છે. સામાન્ય રીતે રસી ૨થી ૮ ડીગ્રી તાપમાન ધરાવતા સ્ટોરેજમાં રખાતી હોય છે. કોરોનાની રસી માટે નિષ્ણાતોએ શૂન્યથી શૂન્ય નીચે ૧૦ ડીગ્રી સુધીનું તાપમાન નિર્ધારિત કર્યું છે. આ તાપમાને રાખવા માટે અલગ પ્રકારના સાધનો અને સ્ટોરેજ સગવડની જરૃર પડે.