ચીન બાદ 20 દેશોમાં ફેલાયેલા કોરોના વાઈરસને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO)એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. ગુરુવારે WHOની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કોરોના વાઈરસના કારણે અત્યાર સુધી કુલ 213 લોકોના મોત થયા છે. વુહાનમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે આજે એર ઈન્ડિયાનું વિમાન ચીન જવાનું છે. ચીનના વુહાનમાં અંદાજે 500 ભારતીયો ફસાયેલા છે. કોરોના વાઈરસના કારણે ચીનમાં અત્યાર સુધી મૃતકોની સંખ્યા 213 થઈ ગઈ છે. અત્યાર સુધી કુલ 9,692 લોકોને કોરોના વાઈરસનું ઈન્ફેક્સન થયું હોવાનું જાણવા મળ્યું છે.

હુબેઈ શહેરમાં સૌથી વધારે 204 લોકોના મોત થયા છે અને અહીં 5,806 લોકોને ઈન્ફેક્શન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ વાઈરસના લક્ષણ જણાતા એક લાખથી વધારે લોકો અંડર ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. ડબ્લ્યૂએચઓ પ્રમુખ ટેડ્રોસ એડનોમ ગ્રેબિયેસિસે જણાવ્યું છે કે, સૌથી મોટી ચિંતા એ છે કે, આ વાઈરસ સૌથી ખરાબ સ્વાસ્થ્ય સુવિધાઓ વાળા દેશમાં ફેલાયો છે. જ્યારે બીજી બાજુ ચીનનું કહેવું છે કે, તેઓ વાઈરસ સામે લડવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. ભારત સહિત 20 દેશોમાં કોરોના વાઈરસનું ઈન્ફેક્શન ફેલાયું છે.

જ્યારે બીજી બાજુ ઈટલીમાં એક ક્રૂઝમાં ચીની દંપત્તિની તબિયત ખરાબ થતાં તેને ત્યાં જ રોકી દેવામાં આવ્યું છે. ક્રૂઝ ત્યાં જ રોકી દેવામાં આવ્યું હોવાના કારણે તેમાં 6,000થી વધારે લોકો ફસાયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસના ડરના કારણે ક્રૂઝને સિબિટાવેકિયા વિસ્તારમાં રોકી રાખવામાં આવ્યું છે. બેઈજિંગમાં ભારતીય એમ્બેસેડરે કહ્યું છે કે, શુક્રવાર સાંજથી ભારતીયોને બહાર કાઢવાનું અભિયાન શરૂ કરવામાં આવશે.

પહેલી ફ્લાઈટથી તે ભારતીયોને બહાર લાવવામાં આવશે જે વુહાનની આસપાસ રહે છે અને ભારત પરત ફરવા માંગે છે. ત્યારપછી બીજી ફ્લાઈટ મોકલવામાં આવશે. ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરવામાં આવ્યા પછી વાઈરસ સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયત્નો વધારવામાં આવ્યા છે. વાઈરસ વધારે દેશોમાં ન ફેલાય તે માટે WHO દરેક દેશ સાથે વાતચીત કરીને આગામી રણનીતિ પર કામ કરી રહ્યા છે.

WHOએ અત્યાર સુધી 6 વખત ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરી છે. 2007માં ચીનમાં સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ) ફેલાયા પછી પહેલીવાર ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ત્યારપછી 2009માં સ્વાઈન ફ્લૂના કારણે, 2014માં પોલિયા, 2014 અને 2019માં ઈબોલા અને 2016માં ઝીકા વાઈરસ ફેલાયા પછી ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.