આપણાંમાંથી કોઈ જ કોરોના વાયરસ સામે સુરક્ષિત નથી. દુનિયાએ એક થઈને તુરંત આ મહામારીની રસી શોધવી પડશે. નહીંતર અગાઉ ક્યારેય થયું નથી એટલું નુકસાન દુનિયાને થશે.સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવે કોરોના મહામારીની સ્થિતિ કાબુમાં આવતી નથી તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે આ મહામારીને ઈતિહાસની સૌથી મોટી મહામારી ગણાવી હતી અને દુનિયાએ ઝડપથી કોઈ રસ્તો કાઢીને આ કટોકટીમાંથી બહાર નીકળવું પડશે એવું કહ્યું હતું.વિશ્વના નેતાઓએ કોરોનાની રસી શોધવા ૮.૨ અબજ ડોલરની ધનરાશી ફાળવવાની જાહેરાત કરી એ પછી યુએનના વડાનું આ નિવેદન આવ્યું હતું. લગભગ ૪૦ જેટલાં નેતાઓએ યુરોપિયન કમિશન દ્વારા યોજાયેલા ઓનલાઈન કાર્યક્રમમાં હાજર રહીને ગ્લોબલ રીસર્ચ માટે ફંડની જાહેરાત કરી હતી.

યુએનના મહાસચિવે કહ્યું હતું કે તુરંત રસી શોધાય તે હવે જરૂરી બની ગયું છે. જો આવી સ્થિતિ યથાવત રહેશે તો દુનિયાએ અગાઉ ક્યારેય ન કલ્પેલું નુકસાન થશે. ડબલ્યુએચઓ અને વિવિધ દેશો દ્વારા શરૂ કરાયેલા પ્રયાસોની પ્રશંસા કરીને તેમણે કહ્યું હતું કે એસીટી એક્સિલરેટર નામનો જે ઐતિહાસિક પ્રયાસ શરૂ થયો છે તે કોરોનાને કાબુમાં લાવવા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. વિશ્વ એક થઈને આ પ્રયાસો કરે છે તે સરાહનીય છે એવું તેમણે કહ્યું હતું.