Getty Images)

કોરોનાવાઈરસના રોગના નિવારણ માટે કોઈ રસી સફળ, અસરકારક પુરવાર થઈ તો અમેરિકામાં તમામ અમેરિકન્સને તે વિના મૂલ્યે આપવામાં આવશે, તેમ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું. આ ઉપરાંત સુરક્ષાના મુદ્દે ઝડપથી રસીની શોધમાં કોઇ બાંધછોડ નહીં કરવામાં આવે એવું પણ તેઓએ જણાવ્યું હતું. આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારી પૌલ મેંગોએ મીડિયાને કહ્યું હતું કે, ‘અમે નિયમનકારી ચોકસાઈમાં કોઈ બાંધછોડ કરતા નથી. રસીઓનું મૂલ્યાંકન કરીશું અને આશા છે કે તેની મંજૂરી મળશે.’

અમેરિકી સરકારે રસીના 10 પ્રોજેક્ટ્સમાં 10 બિલિયન ડોલરથી વધુ રકમનું રોકાણ કર્યું છે અને લાખોની સંખ્યાં રસી પ્રાપ્ય બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કરાયા છે. આ રસીના નાણા સરકાર ચૂકવશે. ડોકટરો અથવા ક્લિનિક્સ રસી આપવાનું કામ કરે છે, તેનો ખર્ચ લેનારે આપવાનો રહેશે, પરંતુ એનું ભારણ મોટેભાગે ખાનગી અને જાહેર વીમા કંપનીઓ ઉપર આવશે. ‘મોટાભાગની’ કોમર્શિયલ વીમા કંપનીઓ તેમના ગ્રાહકો માટેનો ખર્ચ ઉઠાવવા સંમત થયા છે, તેમ મેંગોએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘અમે જાન્યુઆરી 2021 સુધીમાં લાખોની સંખ્યામાં રસી પહોંચાડવાના માર્ગે આગળ વધી રહ્યા છીએ.’

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડાયરેક્ટર ફ્રાન્સિસ કોલિન્સે જણાવ્યું હતું કે, તેઓ ‘સતર્ક આશાવાદી’ છે કે અમેરિકાએ જે છ રસીઓમાં રોકાણ કર્યું છે તે પૈકીની ઓછામાં ઓછી એક રસી આ વર્ષના અંત સુધીમાં આવી જશે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટીકાકારોએ ચિંતા વ્યક્ત કરી છે કે, સરકાર સુરક્ષા અને સાવચેતીના મુદ્દાની ઉપેક્ષા કરીને 3 નવેમ્બરના રોજ ચૂંટણી પહેલા રસી ઉપલબ્ધ થાય તેવી જાહેરાત કરી શકે છે, જોકે, મેંગોએ આ આરોપોનો ઇનકાર કર્યો હતો.