Getty Images)

ભારતમાં પહેલી વખત એક જ દિવસમાં કોરોનાના 52123 નવા કેસ નોંધાતા કુલ આંકડો ભયજનક સપાટીની નજીક જઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો 16 લાખને નજીક પહોંચી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 52123 કેસ નોંધાતા કુલ કેસ 1583792 થઈ ગયા છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરીને 64.43 સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 32553 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 1020582 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા બમણી થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 775 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 34968 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 528242 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે 400651 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે 14463 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 234114 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 3741 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 133310 કેસ નોંધાયા છે જ્યારે 3907 લોકોએ જીવ ગુમાવ્યા છે. કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્ર પ્રદેશમાં 120390 કેસ નોંધાયા છે જ્યારે 1213 લોકો મોતને ભેટ્યા છે.

આંધ્રપ્રદેશ બાદ પાંચમાં સ્થાન પર કર્ણાટકમાં અત્યાર સુધીમાં 112504 કેસ નોંધાયા છે જ્યારે 2147 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ 77334 કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે 65258 કેસ સાથે પશ્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. 58906 કેસ સાથે આઠમાં ક્રમ પર તેલંગાણા અને નવમાં ક્રમ પર ગુજરાત છે જ્યાં 59128 લોકો સંક્રમણમાં આવ્યા છે તેમાંથી 2396 લોકો મોતને ભેટી ચૂક્યા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 17030329 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 667014 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 9948783 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 6414532 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.