Rishi sunak and rishi sunak
(Photo by Getty Images)

“બ્લ્યુ ઓન બ્લ્યુ” વોર તરીકે ઓળખાતા શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદની હરિફાઇમાં સુનક વિરૂધ્ધ ટ્રસ વચ્ચેનો જંગ આક્રમક બની રહ્યો છે અને જુદા જુદા જૂથો હરીફ નેતાઓને પછાડવા માટે શાબ્દિક હુમલા અને આક્ષેપો કરી રહ્યા છે. 4 ઓગસ્ટથી પાર્ટીના સભ્યો દ્વારા શરૂ થનારા મતદાન માટે સુનકે હવે પોતાના પ્રચારમાં યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાની જેમ પત્ની અક્ષતા મૂર્તિ અને પુત્રીઓ ક્રિષ્ના અને અનુષ્કાને સાથે લીધા છે.

તા. 25ને સોમવારે રાત્રે બે ફાઇનલિસ્ટ – ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનક અને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ વચ્ચે હેડ-ઓન ટેલિવિઝન ચર્ચા BBC પર યોજાઇ હતી. જેમાં તેમની વચ્ચે આર્થિક નીતિઓ બાબતે જોરદાર ટક્કર થઇ હતી.
નવા વડા પ્રધાન તરીકે પ્રથમ દિવસથી જ કર ઘટાડવાની પ્રતિજ્ઞા લેનાર લીઝ ટ્રસને સોમવારની ટાવી ડીબેટમાં વખોડી કાઢતા સુનકે જણાવ્યું હતું કે “તમે 40 બિલિયન પાઉન્ડથી વધુ અનફંડેડ ટેક્સ કપાતનું વચન આપ્યું છે, તમે આ 40 બિલિયન પાઉન્ડની રકમ વધુ ઉધાર લેવાના છો! યુકેનો કર બોજ કોવિડ રોગચાળા દરમિયાન અર્થતંત્રને ચાલુ રાખવા માટે જરૂરી સરકારી ખર્ચના અભૂતપૂર્વ સ્તરનું પરિણામ છે અને કોઈપણ કર કપાત પહેલાં ફુગાવા પર પકડ મેળવવી એ મારી પ્રાથમિકતા છે. મારી ચેતવણી છે કે ટ્રસની ટેક્સ કટ યોજના દેશના “લાખો લોકોને દુઃખમાં મૂકશે” અને ટોરીઝને આગામી સામાન્ય ચૂંટણીમાં પરિણામો ભોગવવા પડશે.’’

સુનકે અગાઉ કર ઘટાડવા અંગે જણાવ્યું હતું કે “હું આ સંસદમાં ટેક્સ ઓછો કરીશ, પરંતુ હું જવાબદારીપૂર્વક આવું કરીશ. હું ચૂંટણી જીતવા માટે ટેક્સ ઘટાડતો નથી, હું કર ઘટાડવા માટે ચૂંટણી જીતવા માંગુ છું.”
બીજી તરફ ફોરેન સેક્રેટરી લીઝ ટ્રસે સુનક પર વૃદ્ધિ માટેની કોઈ યોજના ન હોવાનો આરોપ મૂકતા ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’અન્ય કોઈ દેશ કર લાદતો નથી. આ ચાન્સેલરે 70 વર્ષમાં સૌથી વધુ દરે ટેક્સ વધાર્યો છે, અને અમે હવે મંદીની આગાહી કરી રહ્યા છીએ. સત્ય આંકડાઓમાં છે.”

‘અવર નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર’ શીર્ષક ધરાવતા ટીવી ડીબેટમાં આર્થિક નીતિ મુખ્ય વિભાજન રેખા બની રહી હોવાથી ચર્ચા ઘણા મુદ્દાઓ પર ઉગ્ર બની હતી. જેમાં આ જોડીને ચીન અંગેના તેમના કડક વલણ અને તેમની ડ્રેસ સેન્સ પર ટકરાવ કરતા જોવા મળ્યા હતા.

સુનકે પોતાના ધનાઢ્ય ઉછેર અને રહેણીકરણી પરના આરોપો અંગે વિરોધ કરતા કહ્યું હતું કે ‘’હું મારી પૃષ્ઠભૂમિ માટે “માફી માંગવાનો નથી. મારા માતાપિતાએ મારા અને ભાઈ-બહેનોને સારું, મોંઘું હોવા છતાં તે શિક્ષણ મેળવવા માટે સખત મહેનત કરી બચત કરી છે. કોન્ઝર્વેટીવ્સ પણ આવા મહત્વાકાંક્ષી મૂલ્યો ધરાવે છે.”

ટ્રસે બ્રિટિશ ભારતીય પૂર્વ ચાન્સેલર સુનકના મોંધા કપડાની પસંદગી પર તેની ટીમની મજાકને ઓછી કરવાનો પ્રયાસ કરતાં કહ્યું હતું કે ‘’મને બીજાના કપડાં કેટલા મોંઘા છે તે અંગે કોઈ સમસ્યા નથી. હું ઋષિને ફેશન અંગે સલાહ આપવાની નથી. હું તેમની ડ્રેસ સેન્સની મહાન પ્રશંસક છું.” ચર્ચાની મધુર ક્ષણો દરમિયાન, સુનકે કહ્યું હતું કે તે ટ્રસની પ્રશંસા કરે છે અને તેઓ આખરે એક જ ટીમમાં હતા.’’ તેમણે બન્નેએ તેમના નેતૃત્વવાળી સરકારમાં કામ કરશે તેવા પ્રશનનો જવાબ હકારાત્મક આપ્યો હતો.

સુનકે કટોકટીના ધોરણે ફુગાવાને કાબૂમાં લેવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગ કરી છે અને તેમના વિરોધીઓ દ્વારા કરાઇ રહેલા “અનફંડેડ” ટેક્સ કપાતના વચનો પર સવાલ ઉઠાવ્યા છે. સુનક તેમના ભારતીય વારસા અને ઇમિગ્રન્ટ તરીકેની સફળતાની વાતોનો સંદર્ભ આપે છે અને કેબિનેટ મંત્રી તરીકે આંતરરાષ્ટ્રીય મંચ પર તેમની ભૂમિકા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.

બંને ઉમેદવારોએ યુદ્ધ પછીના સુધારાઓ શરૂ કરનાર ભૂતપૂર્વ વડા પ્રધાનોના વારસાનો દાવો કરી તેમની વ્યૂહરચનાના ભાગરૂપે અનિયંત્રિત ઇમિગ્રેશન અને ચીનની આક્રમક વૈશ્વિક વ્યૂહરચનાઓનો સામનો કરવા માટે સખત અભિગમ લેવાની પ્રતિજ્ઞા લીધી છે.

સુનક અને ટ્રસ મતદારોને આકર્ષવા માટે વિવિધ ઑનલાઇન વ્યૂહરચનાઓ ગોઠવી રહ્યા છે. સુનક ‘રેડી4ઋષી’ અને ટ્રસ ‘લીઝ ફોર લીડર’ ટેગલાઇન સાથે મતદારોને અપીલ કરી રહ્યા છે. સુનક ચૂંટણીમાં વિપક્ષી લેબર લીડર કેર સ્ટાર્મરને હરાવવા માટે પોતાને શ્રેષ્ઠ ગણાવે છે.

ટ્રસને ટેકો આપી રહેલા જૉન્સનના વફાદાર કલ્ચરલ સેક્રેટરી નાદિન ડોરીસે તા. 25ને સોમવારે સવારે ટ્વિટ ‘ડેઇલી મેઇલ’ અહેવાલને ટ્વીટ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે સુનક £3,500નો બેસ્પોક સૂટ અને પ્રાડા શૂઝ પહેરે છે. તેઓ મોટા પાયે જીવનજરૂરી ચીજવસ્તુઓનો સામનો કરતી બ્રિટિશ જનતાની તકલીફોનો શું ઉકેલ લાવશે. જ્યારે લિઝ ટ્રસ ક્લેર એસેસરીઝની બુટ્ટીઓ પહેરે છે.’’

સુનક ચાન્સેલર હતા ત્યારનો £180ના સ્માર્ટ મગ અને £95ના બ્રાન્ડેડ સ્પોર્ટ્સ સેન્ડલ સહિત મોંઘા વસ્ત્રો પહેર્યા હોય તેનો ફોટો પ્રસિધ્ધ થયો હતો. આ અંગે તેમના પર યુકેના એક મીડિયા વર્ગ અને વિરોધી શિબિર દ્વારા હુમલાઓ કરાય છે.

સુનકને હરાવવા માટે સુનકની અંગત સંપત્તિ અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ જેઓ ભારતની આઇટી કંપની ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી છે તેનો આ રેસમાં વારંવાર ઉલ્લેખ કરાય છે.

સુનકે છેલ્લી ટીવી ડિબેટમાં આ મુદ્દાને મુખ્ય રીતે સંબોધિત કરી જણાવ્યું હતું કે ‘’મારા સાસુ-સસરાની પ્રગતિ એક કન્ઝર્વેટીવ સ્ટોરી છે અને તે માટે મને ખરેખર ગર્વ છે અને વડાપ્રધાન તરીકે હું સુનિશ્ચિત કરવા માંગુ છું કે આપણે અહિ પણ આવી સ્ટોરી બનાવી શકીએ.’’

ઇસ્ટ ઇંગ્લેન્ડના ગ્રાન્થમ ખાતે પ્રચાર કરતા સુનકે જણાવ્યું હતું કે ‘’ગવર્નિંગ પાર્ટીનો એક વર્ગ છે જે આગામી ચૂંટણીને ફોરેન સેક્રેટરીના “રાજ્યભિષેક” કરતાં વધુ પસંદ કરશે. ફુગાવાને નીચે લાવવાની તાત્કાલિક જરૂરિયાત પર તેમના કેન્દ્રીય સૂત્રનો પુનરોચ્ચાર કરી વધતા જતા ફુગાવાને “દરેકને ગરીબ બનાવનાર દુશ્મન” તરીકે વર્ણવ્યો હતો. ફુગાવો તમારા ઘરો અને તમારી બચતને જોખમમાં મૂકે છે.’’

આ તકરારોથી કેટલાક ટોરી કાર્યકરો અને મિનિસ્ટર્સ ગુસ્સે ભરાયા છે અને ચેતવણી આપે છે કે એક જ ટીમના લોકોના આવા વ્યક્તિગત હુમલાઓ બદલ આગામી 2024ની સામાન્ય ચૂંટણીમાં સજા કરાશે. કન્ઝર્વેટિવ કેમ્પેઈન હેડક્વાર્ટર દ્વારા બન્ને માટે દેશભરમાં હસ્ટિંગ્સનું આયોજન કરાયું છે. જેમાં તેઓ દેશમાં ઉપર-નીચે તેમનો તીવ્ર પ્રચાર ચાલુ રાખશે. વિજેતાને અંદાજિત 180,000 ટોરી સભ્યો દ્વારા ચૂંટવામાં આવશે અને મતદાન 2 સપ્ટેમ્બરની સાંજે બંધ થશે. વિજેતાની જાહેરાત 5 સપ્ટેમ્બરે કરવામાં આવશે.