
ભારતમાં નવા ઉપરાષ્ટ્રપતિની 9 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના સત્તાધારી ગઠબંધન એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો વિજય થયો હતો. દેશના આ બીજા ક્રમના સર્વોચ્ચ બંધારણીય પદ માટે સીપી રાધાકૃષ્ણન અને કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જસ્ટિસ (નિવૃત્ત) બી સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો હતો.
68 વર્ષના રાધાકૃષ્ણને 452 ફર્સ્ટ પ્રેફરન્સ વોટ મળ્યાં હતાં, જ્યારે વિપક્ષના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડી 300 ફર્સ્ટ પ્રેફરન્સ વોટ મળ્યાં હતાં. કુલ 754 સાંસદોએ મતદાન કર્યું હતું અને 15 મતો અમાન્ય ઠર્યા હતા. ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર પીવી મોદીએ જણાવ્યું હતું કે માન્ય મતોમાંથી રાધાકૃષ્ણનને 451 પ્રથમ પસંદગીના મત મળ્યા હતાં, જ્યારે જસ્ટિસ રેડ્ડીને 300 મત મળ્યા હતાં.
મતદાનના આંકડાઓ પરથી સ્પષ્ટ થયું હતું કે મોટાપાયે વિપક્ષો સાંસદો તરફથી ક્રોસ-વોટિંગ થયું હતું. ઓછામાં ઓછા 19 સાંસદોએ NDA ઉમેદવારને વોટ આપ્યો હોવાની શક્યતા છે. જોકે, 150 મતોનું માર્જિન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સૌથી ઓછું માર્જિન છે. ૨૦૨૨માં જગદીપ ધનખડે છેલ્લી છ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સૌથી વધુ માર્જિનથી વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવ્યા હતા. તેમણે 528 મત મેળવ્યા મળ્યા હતા અને આલ્વાને 182 મત મળ્યાં હતાં.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભા અને લોકસભાના સભ્યો મતદાન કરતાં હોય છે. વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત સહિતના સાંસદોએ મતદાન કર્યુ હતું.
સત્તા પક્ષ કે વિપક્ષી ગઠબંધન સાથે નહીં સંકળાયેલા પક્ષોમાં 11 સાંસદો ધરાવતી YSRCPએ એનડીએના ઉમેદવારને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે બીઆરએસ તથા બીજેડીએ મતદાનની પ્રક્રિયામાં ઉપસ્થિત નહીં રહેવાનો નિર્ણય કર્યો હતી.
21 જુલાઈએ જગદીપ ધનખડના ઓચિંતા રાજીનામાથી આ ચૂંટણીની જરૂરિયાત ઊભી થઈ છે. ધનખડે બે વર્ષનો કાર્યકાળ બાકી હતો ત્યારે રાજીનામું આપ્યું હતું.
ચંદ્રપુરમ પોનુસામી (સીપી) રાધાકૃષ્ણન ભાજપના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા છે અને લાંબા સમય સુધી સંગઠનમાં સક્રિય રહ્યા છે. તેઓ બે વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને પાર્ટીના તામિલનાડુ એકમના અધ્યક્ષ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. સીપી રાધાકૃષ્ણને દક્ષિણ ભારતમાં ભાજપના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ તામિલનાડુના કોઇમ્બતૂરથી બે વખત લોકસભામાં ચૂંટાયા હતા. તેઓ અહીં 1998 અને 1999માં જીત્યા હતા. ત્યાર બાદ, 2004, 2014 અને 2019માં સતત ત્રણ વખત કોઇમ્બતૂરથી હારનો સામનો કરવો પડ્યો હતો.ફેબ્રુઆરી 2023માં તેમને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા હતાં. આ પછી જુલાઈ 2024માં તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા હતા.
2007માં તેઓ તામિલનાડુના પ્રદેશ અધ્યક્ષ હતાં ત્યારે તેમણે રાજ્યમાં 93 દિવસની 19,000 કિલોમીટર લાંબી ‘રથયાત્રા’ યોજી હતી. આ યાત્રા દરમિયાન તેમણે મુખ્યત્વે નદીઓ જોડવાની યોજના, આતંકવાદ, સમાન નાગરિક સંહિતા, અસ્પૃશ્યતા અને નશાનાં દુષ્પરિણામ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સ્વયંસેવક તરીકે શરૂઆત કરીને તેઓ 1974માં ભારતીય જનસંઘની રાજ્ય કાર્યકારિણી સમિતિના સભ્ય બન્યા હતા.
