(Photo by PRABIN RANABHAT/AFP via Getty Images)

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધની વિરુદ્ધમાં સોમવાર, 8 સપ્ટેમ્બરે યુવાનોના ફાટી નીકળેલો દેશવ્યાપી પ્રચંડ આક્રોશ બીજા દિવસે વધુ ઉગ્ર બન્યો હતો. સંસદભવન સહિત દેશભરમાં ઠેરઠેર આગચંપી અને તોડફોડ પછી વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ અને પ્રેસિડન્ટ રામ ચંદ્ર પૌડેલને રાજીનામું આપવાની ફરજ પડતા તખ્તાપલટ થયો હતો.

ઓલી લશ્કરી હેલિકોપ્ટરમાં કાઠમંડુથી જતાં દેખાતા હતાં. હવે દેશમાં સામાન્ય સ્થિતિ બહાલ ન થાય ત્યાં સુધી આર્મી સત્તા પોતાના હાથમાં લેશે તેવી રીપોર્ટ મળી રહ્યાં છે. દેખાવકારોએ કાઠમંડુમાં નેપાળના ડેપ્યુટી વડાપ્રધાન અને નાણા પ્રધાન બિષ્ણુ પ્રસાદ પૌડેલને દોડાવી-દોડાવીને માર્યા હતાં. ભૂતપૂર્વ વડા પ્રધાન ઝાલનાથ ખનાલના ઘરને પણ આગને હવાલે કરતા તેમના પત્ની પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકરનુ મોત થયું હતું. આ ઘટના રાજ્યની રાજધાની કાઠમંડુના દલ્લુ વિસ્તારમાં તેમના ઘરે બની હતી. ચિત્રકરને તાત્કાલિક કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું,

દેખાવકારોએ પ્રેસિડન્ટ રામ ચંદ્ર પૌડેલ અને વડાપ્રધાન ઓલીના ખાનગી નિવાસસ્થાનો, ઘણા પ્રધાનોના નિવાસસ્થાનો સહિતની અનેક સરકારી ઇમારતોને આગ ચાંપી દીધી હતી. પ્રેસિડન્ટના નિવાસસ્થાનમાં દેખાવકારો ધુસ્યાં હતાં અને ભારે તોડફોડ કરી હોવાના પણ વીડિયો વાયરલ બન્યાં હતાં. નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાનો પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ અને શેર બહાદુર દેઉબા તથા ઉર્જા પ્રધાન દીપક ખડકાના ઘરોને પણ દેખાવકારોએ ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્રદર્શનકારીઓએ નેપાળી સંસદમાં પણ ઘૂસીને આ ઇમારતને આગ ચાંપી દીધી હતી.

અગાઉ સોમવારે કાઠમંડુમાં લાખ્ખો દેખાવકારોએ સંસદ ભવન તરફ કૂચ કરી હતી અને સંસદ સંકુલમાં ધુસ્યાં હતાં. આ પછી થયેલી હિંસક અથડામણમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતાં અને 250થી વધુ ઘાયલ થયાં હતાં. ગુસ્સે ભરાયેલા દેખાવકારોએ કર્ફ્યુ પ્રતિબંધો તોડીને સંસદ નજીકના પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ્યા બાદ નેપાળની રાજધાનીમાં આર્મી તૈનાત કરાઈ હતી. સમગ્ર દેશમાં અરાજકતા ઊભી થતા સરકારે શાળા-કોલેજો બંધ રાખવાનો અને 9-10-11 સપ્ટેમ્બરે યોજાનારી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો આદેશ આપ્યો હતો.

પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ચલાવેલી રબર બુલેટથી બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ હતાં. દરમિયાન નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીના વતન દમકમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યા બાદ અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો.

નેપાળમાં, સરકારે 26 બિન-નોંધાયેલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બ્લોક કર્યા પછી શુક્રવારથી ફેસબુક, યુટ્યુબ અને એક્સ સહિતની ઘણી સોશિયલ મીડિયા સાઇટ્સ બંધ થઈ હતી. તેનાથી યુઝર્સ વિફર્યા હતાં.

આમ એશિયામાં વધુ એક દેશમાં જનાક્રોશને પગલે તખ્તાપલટો થયો છે. અગાઉ 2022માં શ્રીલંકામાં અને 2024માં બાંગ્લાદેશમાં પણ આવી જ સ્થિતિ ઊભી થઈ હતી અને બંને દેશોના વડાઓએ બીજા દેશોમાં ભાગવું પડ્યું હતું.

વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામા બાદ નેપાળી આર્મી હવે પ્રધાનોને તેમના નિવાસસ્થાને સુરક્ષા આપવા લાગી હતી. આર્મી હેલિકોપ્ટર દ્વારા પ્રધાનોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાયા હતાં. દેખાવકારોએ દેશભરમાં અનેક સ્થળોએ આગચંપી, હિંસા અને લૂંટફાટ કરી હતી. ઘણા પ્રધાનોના ઘરો પર હુમલો કર્યો હતો અને વરિષ્ઠ અધિકારીઓને પણ ટાર્ગેટ કર્યાં હતાં.

LEAVE A REPLY