ચીની નાગરિકોએ ભારત સરકારના નેટવર્ક પર સાઇબર એટેક કર્યો હોવાની માહિતી અમેરિકાથી આવી હતી. અમેરિકાના ન્યાય વિભાગે ભારતીય નેટવર્ક સહિત અમેરિકા અને વિદેશની 100 કંપનીઓ તથા સંસ્થાઓ પર સાઇબર એટેક માટે ચીનના પાંચ નાગરિકો પર આરોપ મુક્યો છે. સાયબર એટેક મારફત અતિ મહત્ત્વના સોફ્ટવેર ડેટા અને બિઝનેસ ઇન્ટેલિજન્સની ચોરી કરી હોવાનો આરોપ છે.

દરમિયાન દિલ્હી પોલિસના સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ ઇન્ફર્મેટિક સેન્ટર (એનઆઇસી)માં સિક્યોરિટીના ઉલ્લંઘન બાદ સપ્ટેમ્બરના પ્રારંભમાં રાષ્ટ્રીય સુરક્ષા તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા મહાનુભાવો સંબંધિત ડેટા ધરાવતા કમ્પ્યુટર સાથે ચેડાં થયા હતા. આ કમ્પ્યુટર્સમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ, સરકારના વરિષ્ઠ હોદ્દેદારો અને ભારતના નાગરિકો સંબંધિત ડેટા પણ સ્ટોર કરવામાં આવેલા હતા. આ સાઇબર એટેકક બાદ એનઆઇસીના કર્મચારીની ફરિયાદને આધારે દિલ્હી પોલિસના સ્પેશ્યલ સેલે કેસ દાખલ કર્યો છે. અમેરિકાના ન્યાય વિભાગના નિવેદન મુજબ આ કેસમાં ચીનના પાંચ નાગરિકોને ભાગેડુ જાહેર કરાયા છે અને મલેશિયાની એક નાગરિકની ધરપકડ કરવામાં આવી છે.

આરોપનામામાં જણાવાયું છે કે 2019માં હુમલાખોરોએ ભારતની સરકારની વેબસાઇટ તથા ભારત સરકારને સપોર્ટ કરતાં વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક અને ડેટાબેઝ સર્વર્સ સાથે ચેડાં કર્યા હતા. હુમલાખોરોએ ભારત સરકારની માલિકીનુ વીપીએન નેટવર્ક ખોલવા માટે VPS PROVIDER સર્વર્સનો ઉપયોગ કર્યો હતો. આ એટેક મારફત ભારત સરકારના પ્રોટેક્ટેડ કમ્પ્યુટર્સમાં કોબાલ્ટ સ્ટ્રાઇક માલવેર ઇન્સ્ટોલ કર્યો હતો. કોર્ટમાં મુકવામાં આવેલા આરોપ મુજબ કમ્યુટરમાં આ ઘૂસણખોરીથી અમેરિકા અને બીજા દેશોની આશરે 100 કંપનીઓને અસર થઈ હતી. સાઇબર એટેકમાં ખાસ કરીને યુનિવર્સિટી, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, વિદેશી સરકારો, હોંગકોંગમાં લોકશાહી તરફી નેતાઓ અને કાર્યકરના કમ્યુટર્સને નિશાન બનાવવામાં આવ્યા હતા. ચીનના હેકર્સે વિયેતનામ અને બ્રિટનના સરકારી કમ્પ્યૂટર્સ અને નેટવર્કને પણ નિશાન બનાવ્યા હતા. જોકે હેકર્સ બ્રિટનના સરકારી કમ્પ્યુટર નેટવર્કમાંથી ડેટાની ચોરી કરવામાં સફળ રહ્યાં ન હતા.