ભારત સરકારના ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના કોચરબ આશ્રમમાં દાંડીકૂચની 92મી વર્ષગાંઠ નિમિત્તે શનિવારે દાંડી સુધીની સાઇકલયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો આ સાઇકલયાત્રામાં જોડાયા છે. આ યાત્રા ગ્રામ સ્વરાજ અને આત્મનિર્ભર ભારતની સંકલ્પનાનો પ્રચાર કરીને એને બળ આપવાનું કામ કરશે.
તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી જે શિક્ષણનીતિ લાવ્યા છે એમાં ગાંધીજીના વિચારોને સમાવી લેવાયા છે. દાંડીયાત્રા એ માત્ર જનજાગૃતિનો કાર્યક્રમ નહોતો, અંગ્રેજોની હિંમત નહોતી કે ગાંધીજીને દાંડીયાત્રામાંથી પકડીને લઈ જાય. કોચરબ આશ્રમે જ મોહનદાસને મહાત્મા બનાવ્યા. દેશ શરૂઆતથી જ ગાંધીજીના વિચારો પર ચાલ્યો હોત તો આજે અનેક સમસ્યાઓ ના હોત. ગાંધીજીની દાંડીયાત્રાથી સમગ્ર દેશમાં ચેતના જાગી હતી.
દાંડીયાત્રાથી ગાંધીજીએ લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. દાંડીયાત્રા નીકળી ત્યારે સંપર્કનાં સાધનો નહોતાં. સત્યની તાકાતને કારણે દરેક શબ્દ દેશભરમાં પહોંચતો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. રાજેન્દ્ર ખિમાણી, કુલસચિવ ડો. નિખિલ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક વિચારો વ્યક્ત કર્યા હતા.
12 માર્ચ 1930ના રોજ મોહનદાસ ગાંધીએ અંગ્રેજોના મીઠા પર ટેક્સ લગાવવાના નિર્ણયના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી. એના અંતર્ગત સમુદ્ર કિનારે વસેલા દાંડી ગામ સુધીની 241 માઈલ લાંબી યાત્રા કરવામાં આવી હતી. 06 એપ્રિલ 1930ના રોજ ત્યાં પહોંચીને ગાંધીજીના નેતૃત્વમાં હજારો લોકોએ અંગ્રેજોના મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. આજથી 92 વર્ષ પહેલાં 12 માર્ચના રોજ મોહનદાસ ગાંધીએ દાંડીયાત્રાની શરૂઆત કરી હતી અને તેની યાદગીરીરૂપે દર વર્ષે આજની તારીખથી પ્રતીકાત્મક દાંડીયાત્રા યોજવામાં આવે છે. એમાં કેટલાક લોકો દાંડી સુધીની યાત્રા કરતા હોય છે.