વાવાઝોડા બિપરજોય પહેલા મંગળવારે દ્વારકાના ગોમતીઘાટમાં દરિયો તોફાની બન્યો હતો. (ANI Photo)

બિપરજોય વાવાઝોડું ગત સોમવારે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ ફંટાઇ રહ્યું હતું. અરબી સમુદ્રમાં સર્જાયેલું આ વાવાઝોડું અતિપ્રચંડ બની શકે તેવું અનુમાન હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે એક બેઠક યોજીને વાવાઝો઼ડાને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ વાવઝોડાની અસર કેરળ અને મુંબઇના સમુદ્રમાં પણ જોવા મળી હતી.

હવામાન ખાતાની આગાહી મુજબ 15 થી 16 જૂન વચ્ચે બિપરજોય વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. ગત વીકેન્ડ તેમજ સોમવારે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાવાળા વિસ્તારો જેવાકે મુંબઇ, વલસાડ, માંડવી, પોરબંદર અને નવસારીમાં દરિયામાં મોજાં મોટાપાયે ઉછરતાં જોવા મળ્યાં હતાં. જામનગર અને કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જ્યારે પોરબંદરમાં નવ નંબરનું અતિભયસૂચક સિગ્નલ લગાવાયું છે.

હવામાન ખાતાએ ૧૫ જૂનથી ૧૬ જૂનની સવાર સુધી કચ્‍છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કેટલાંક સ્‍થળોએ ભારે પવન અને મૂશળધાર વરસાદની શક્યતા સાથે રેડ અલર્ટ જારી કર્યું હતું અને પાડોશી જિલ્લાઓ માટે ઓરેન્‍જ અલર્ટ જારી કર્યું હતું. વિવિધ વિસ્‍તારોમાં ભારે પવન ફંકાય એવું અનુમાન છે. કચ્છમાં કોટેશ્વર મંદિર દરિયા નજીક હોવાથી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. કચ્છના જખૌના કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના અપાઈ હતી. વાવાઝોડાની જ્યાં અસર થવાની શક્યતા છે એવા વિસ્તારોમાં શાળાઓ બંધ રાખવાની પણ સૂચના અપાઇ હતી. આ વિસ્તારોમાં 144મી કલમ લાગુ પાડવામાં આવી છે.

બીજી તરફ દ્વારકામાં ઈતિહાસમાં પ્રથમ વખત દ્વારકાધીશનાં મંદિરે બે ધ્વજા એક સાથે ચઢાવાઈ હતી. બે ધ્વજ સાથે ચઢાવવાથી જગતનો નાથ બધા જ સંકટ પોતના માથે લઇ લે તેવી માન્યતા છે.ગુજરાતમાં મંત્રીઓ ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયાને ચક્રવાત સંબંધિત તૈયારીઓ માટે કચ્‍છ જિલ્લો સોંપવામાં આવ્‍યો હતો. કનુભાઈ દેસાઈને મોરબીનો હવાલો સોંપવામાં આવ્‍યો હતો. રાઘવજી પટેલને રાજકોટ, કુંવરજી બાવળિયાને પોરબંદર, મુળુ બેરાને જામનગર, હર્ષ સંઘવીને દેવભૂમિ દ્વારકા ટીપ, જગદીશ વિશ્વકર્માને જુનાગઢ અને પરસોત્તમ સોલંકીને ગીર સોમનાથનો હવાલો સોંપવામાં આવ્‍યો હતો. મંત્રીઓને રાહત માટે સ્‍થાનિક વહીવટી તંત્ર સાથે મળીને કામ કરવા માટે કહેવામાં આવ્‍યું છે.

LEAVE A REPLY

4 × 3 =