બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર દીપિકા પાદુકોણને હાલમાં જ દાવોસમાં ક્રિસ્ટલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. અવોર્ડ લીધા બાદ દીપિકાએ હૃદય સ્પર્શી સ્પીચ આપી હતી. નોંધનીય છે કે જે સ્ટાર્સ પોતાના યોગદાનથી વિશ્વને સારું બનાવવાનો પ્રયાસ કરે છે અને તેમાં સતત પરિવર્તન લાવે છે, તેમને આ અવોર્ડ આપવામાં આવે છે. દીપિકા ઉપરાંત શિકાગો બેઝ્ડ આર્ટિસ્ટ થેસ્ટર ગેટ્સ તથા ઓસ્ટ્રેલિયન આર્ટિસ્ટ લેનેટ્ટે વોલવર્થને પણ ક્રિસ્ટલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પહેલાં વર્ષ 2018માં શાહરુખ ખાનને ક્રિસ્ટલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

દીપિકાને આ અવોર્ડ મેન્ટલ હેલ્થ અંગે અવેરનેસ લાવવા તથા આ અંગે નેતૃત્વ કરવા માટે આપવામાં આવ્યો હતો. દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર અવોર્ડ લીધા બાદની એક તસવીર પણ શૅર કરી હતી. દીપિકા પર્પલ રંગના આઉટફિટમાં ઘણી જ સુંદર લાગતી હતી. નોંધનીય છે કે દીપિકા ‘ધ લાઈવ, લવ, લાફ ફાઉન્ડેશન’ની મદદથી મેન્ટલ હેલ્થમાં અવેરનેસ લાવે છે. અવોર્ડ સ્વીકાર્યા બાદ દીપિકાએ કહ્યું હતું, મેં અવોર્ડનો સ્વીકાર કર્યો ત્યાં સુધીમાં વિશ્વમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી.

વિશ્વમાં દર 40 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. આર્થિક પરિસ્થિતિને કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં આવે છે.દીપિકાએ પોતાના ડિપ્રેશન અંગે વાત કરતા કહ્યું હતું કે વર્ષ 2014માં ફેબ્રઆરી મહિનામાં તે ડિપ્રેશનમાં જતી રહી હતી અને તેને આ બધું જ છોડી દેવાનો વિચાર આવ્યો હતો. જોકે, તે સમયે તેની માતાએ તેની સંભાળ લીધી હતી. દીપિકાએ સમજાવ્યું હતું કે ડિપ્રેશનની સારવાર શક્ય છે.

સૌ પહેલાં આ વાતનો સ્વીકાર કરવો જરૂરી છે. ડિપ્રેશન દરમિયાન તે ઘણું બધું શીખી છે. વધુમાં દીપિકાએ કહ્યું હતું કે તેનું ફાઉન્ડેશન તેના અંગત જીવનની ફિલોસોફીનું ઉદાહરણ છે. ફાઉન્ડેશનનો હેતુ તણાવ, ચિંતા તથા ડિપ્રેશન સામે લડતા દરેક વ્યક્તિને આશા પ્રદાન કરવાનું છે. માનસિક બીમારી તમામને મુશ્કેલ પડકાર આપે છે પરંતુ આ બીમારીના સાથે તેને બહુ બધું શીખવ્યું છે. આ બીમારી પ્રત્યે ધીરજ રાખો, કારણ કે તમે એકલા નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે આશા અમર છે.