ફ્રેન્ચ એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશન રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના સંયુક્ત સાહસમાં તેનો હિસ્સો 49 ટકાથી વધારીને 51 ટકા કરશે. ભારતમાં દસોલ્ટ અને રિલાયન્સ ઇન્ફ્રાની કંપની રિલાયન્સ એરોસ્ટ્રક્ચરે દસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ નામની સંયુક્ત સાહસ કંપની સ્થાપેલી છે. હવે રિલાયન્સ ઇન્ફ્રા આ સંયુક્ત સાહસમાં તેનો 2 ટકા હિસ્સો દસોલ્ટને ટ્રાન્સફર કરશે.
ભારતીય કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ હિસ્સાના ટ્રાનસફર પછી દસોલ્ટ 51 ટકા હિસ્સો ધરાવશે અને DRAL ફ્રેન્ચ કંપનીની પેટાકંપની બનશે, જે ભારત અને વિશ્વભરના ગ્રાહકો માટે ગેરંટી, વોરંટી અને સેવા પ્રતિબદ્ધતાઓ સુનિશ્ચિત કરશે.આ સોદો 1 નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ સોદો આશરે રૂ.175.96 કરોડમાં થયો છે.
દસોલ્ટ એવિએશન લશ્કરી અને વ્યાપારી જેટનું ઉત્પાદન કરે છે. તે રાફેલ અને ફાલ્કન એરક્રાફ્ટનું ઇન્ટિગ્રેટર છે, તેમજ આ એરક્રાફ્ટના એરફ્રેમ અને સબસિસ્ટમની ઉત્પાદક છે.તેનું માર્કેટકેપ રૂ.2 લાખ કરોડથી વધુ છે અને તેની પાસે રૂ. 80,000 કરોડથી વધુની રોકડ અનામત છે.
દસોલ્ટ અને આરએએલ જૂનમાં વૈશ્વિક બજારો માટે ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ એક્ઝિક્યુટિવ જેટનું ઉત્પાદન કરવા સમજૂતી કરી હતી. તે મહારાષ્ટ્રના નાગપુરમાં અંતિમ એસેમ્બલી લાઇનની સ્થાપના કરશે, ફ્રાન્સની બહાર ફાલ્કન બિઝનેસ જેટ માટેની પ્રથમ એસેમ્બલી લાઇન હશે. ભારતીય ભૂમિ પરથી ફાલ્કન 2000 ‘મેડ ઇન ઇન્ડિયા’ ની પ્રથમ ઉડાન 2028 માટે લક્ષ્ય રાખવામાં આવી છે.
