ચેમ્પિયન,
રવિવારે રાજગીરમાં હોકી એશિયા કપ 2025 ની ફાઇનલ મેચમાં કોરિયાને હરાવ્યા બાદ ભારતીય ખેલાડીઓ ઉજવણી કરી હતી. (@narendramodi X/ANI Photo)

હોકી એશિયા કપ 2025ની રવિવાર, 8 સપ્ટેમ્બરે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતની ટીમ સાઉથ કોરિયાને 4-1થી હરાવીને ચેમ્પિયન બની હતી. આની સાથે ભારતે હોકી વર્લ્ડ કપ 2026માં પોતાનું સ્થાન પણ નિશ્ચિત કર્યું હતું. ભારતે અત્યાર સુધીમાં 2003, 2007, 2017 અને હવે 2025 એમ કુલ ચાર વખત એશિયા કપમાં ચેમ્પિયન બની ચુકી છે.

બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી ફાઇનલ મેચના પહેલા ક્વાર્ટરની પહેલી જ મિનિટમાં ભારતના સુખજીત સિંહે ગોલ ફટકાર્યો હતો. બીજા ક્વાર્ટરમાં પણ ભારતે 1 ગોલ ફટકારી 2-0થી લીડ મેળવી હતી. આ દરમિયાન સાઉથ કોરિયાએ આક્રમક વ્યૂહનીતિ મુજબ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ રહ્યાં ન હતાં. ત્રીજા ક્વાર્ટરમાં છેલ્લી મિનિટમાં ભારતે ફરી એક ગોલ ફટકારીને 3-0થી સરસાઇ મેળવી હતી. ચોથા ક્વોર્ટરમાં ભારત અને સાઉથ કોરિયા બંનેએ એક-એક ગોલ ફટકારતા સ્કોર 4-1 પર પહોંચ્યો હતો. આ પછી ભારતીય ટીમે ડિફેન્સ કરીને સાઉથ કોરિયાને એક પણ ગોલ કરવા દીધો ન હતો.

આની સાથે ભારત ચોથી વખત હોકી એશિયા કપના ટાઇટલ પર કબજો કર્યો હતો. ભારતના વિજયનું ખાસ મહત્ત્વ છે, કારણ કે તેને 5 વખતના ચેમ્પિયન સાઉથ કોરિયાને મોટી સરસાઈથી હરાવ્યું હતું. અગાઉ 2017માં મલેશિયાને હરાવીને ભારતે હોકી એશિયા કપ જીત્યો હતો.

LEAVE A REPLY