REUTERS/Abdelhak Balhaki

આફ્રિકાના દેશ મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા શક્તિશાળી ભૂકંપનો મૃત્યુઆંક વધીને રવિવાર સુધીમાં આશરે 2,000 થયો હતો અને આશરે 2,000થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. 6.8ની તીવ્રતાના આ વિનાશક ભૂકંપથી એટલાસ પર્વતોના ગામોથી લઈને ઐતિહાસિક શહેર મરાકેશ સુધી ભારે વિનાશ વેરાયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે મારાકેચ અને આસપાસના વિસ્તારોમાં 3 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે મોરોક્કોને “સંભવિત તમામ સહાયતા” ઓફર કરી હતી.

દૂરના વિસ્તારો સુધીમાં રાહત ટુકડીને પહોંચવામાં મુશ્કેલી આવી રહી હોવાથી મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા છે.
યુએસ જિઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે રાત્રે 11:11 વાગ્યે ભૂકંપ આવ્યો ત્યારે તેની તીવ્રતા 6.8 હતી. આ ભૂકંપ કેટલીક સેકન્ડો સુધી ચાલુ રહ્યો હતો. 19 મિનિટ પછી 4.9ની તીવ્રનો આફટર શોર આવ્યો હતો. શુક્રવારના ભૂકંપનું કેન્દ્ર અલ હૌઝ પ્રાંતના ઇગિલ શહેરની નજીક હતું, જે મારાકેચથી આશરે 70 કિલોમીટર દૂર આવેલું છે. યુએસજીએસએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 18 કિલોમીટરનીચે હતું. મોરોક્કોની સિસ્મિક એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 11 કિલોમીટર દૂર હતું. આવા છીછરા ભૂકંપ વધુ ખતરનાક હોય છે.

મોડીરાત્રે ભૂકંપથી લોકો સફાળા જાગી ગયા હતા અને નાસભાગ મચી હતી. લોકો મોટી સંખ્યામાં શેરીઓમાં એકઠા થયા હતા અને ઇમારતોમાં પાછા જવામાં ભય અનુભવતા હતા. રાહત અને બચાવ ટીમોએ ઈમારતોના કાટમાળમાં બચી ગયેલા લોકોને શોધી રહ્યાં હતાં. મરાકેશમાં 12મી સદીમાં બનેલી પ્રખ્યાત કૌટુબિયા મસ્જિદને નુકસાન થયું હતું, તેનો 69-મીટર (226-ફૂટ) મિનાર “મારાકેશની છત” તરીકે ઓળખાય છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરેલી શહેરની આસપાસની પ્રખ્યાત લાલ દિવાલના ભાગો ભારે નુકસાન થયું હતું.

મોરોક્કોના ગૃહ મંત્રાલયના શનિવાર સવારના અહેવાલ મુજબ ભૂકંપના કેન્દ્રબિંદુંની નજીક રહેલા મારાકેશ અને અને પાંચ પ્રાંતોમાં ઓછામાં ઓછા 1,038 લોકોના મોત થયાં હતાં અને બીજા 672 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોકોમાંથી 205 લોકોની હાલત ગંભીર હતી. શહેરના વડાએ જણાવ્યું હતું કે શહેરના ઘણા ઘરો આંશિક અથવા સંપૂર્ણ રીતે તૂટી પડ્યાં હતાં. કેટલીક જગ્યાએ વીજળી વ્યવહાર બંધ થયો હતો અને રસ્તાઓ બ્લોક થયા હતા. મોરોક્કોની આર્મી અને ઇમર્જન્સી સર્વિસે નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી હતી.

વિશ્વભરના નેતાઓએ દુઃખ અને સંવેદના વ્યક્ત કરી હતી અને મદદની ઓફર કરી હતી. તુર્કી, ફ્રાન્સ, જર્મની સહિતના દેશોએ મદદની ઓફર કરી હતી. યુક્રેન અને રશિયાએ પણ સપોર્ટ જાહેર કર્યો હતો. પોર્ટુગલ અને અલ્જેરિયા જેટલા દૂર દેશોમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ દુ:ખદ ઘડીમાં મારી સંવેદના મોરોક્કોના લોકો સાથે છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો વહેલામાં વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના. આ મુશ્કેલ સમયમાં ભારત મોરોક્કોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.

LEAVE A REPLY

15 − twelve =