પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ 5 ઓગસ્ટ, 2023 ના રોજ પેશાવરમાં તેમના સમર્થકોએ દેખાવો કર્યા હતા. REUTERS/Fayaz Aziz

તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં કોર્ટે શનિવારે ત્રણ વર્ષની સજા ફટકાર્યા પછી તરત પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરાઈ હતી. ધરપકડના વિરોધમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) સમર્થકોએ ઠેર ઠેર દેખાવો કર્યા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડનો વિરોધ કરી રહેલા ઓછામાં ઓછા 19 પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) સમર્થકોની પોલીસે કરાચીમાં ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે કરાચી પ્રેસ ક્લબની બહાર પાર્ટીના પાંચ સમર્થકોની ધરપકડ કરવામાં આવી હતી, ડિસ્ટ્રિક્ટ મલિરમાંથી 11, શરાફી ગોથમાંથી પાંચ, કૈદાબાદમાંથી છ અને નોર્થ નાઝિમાબાદ બ્લોક-કેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટના આ ચુકાદાથી ઇમરાન પાંચ વર્ષ માટે કોઈપણ જાહેર પદ માટે ગેરલાયક બન્યાં છે. પાકિસ્તાનમાં વર્તમાન સરકારનો કાર્યકાળ 12 ઓગસ્ટે પૂરો થાય છે અને ટૂંકસમયમાં ચુંટણી યોજાવાની છે. આવા સમયે ઇમરાનને જેલ મોકલી દેવામાં આવતા તેમના માટે ચૂંટણી લડવાનો માર્ગ બંધ થયો છે.

ઇસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે ઇમરાન ખાનને 2018થી 2022 સુધીના વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે સરકારી ભેટો વેચવા બદલ દોષિત ઠેરવ્યા હતાં. જજે રૂ.1 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. જો તેઓ દંડ નહીં ભરે તો વધુ છ મહિના જેલમાં રાખવામાં આવશે. તોશાખાન એક સરકારી વિભાગ છે, જેમાં વિદેશી મહાનુભાવો દ્વારા આપવામાં આવેલી ભેટોનો સંગ્રહ કરવામાં આવે છે.

કોર્ટના ચુકાદા પછી ઇસ્લામાબાદ પોલીસે લાહોરમાં તેમના જમાન પાર્ક નિવાસસ્થાનથી ધરપકડ કરી હતી. ઇમરાન ખાને તેમની ધરપકડ પછી એક પ્રિ-રેકોર્ડેડ વીડિયો જારી કરીને લોકોને ઘરમાં શાંતિથી બેસી રહેવાની જગ્યાએ બહાર નીકળીને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે મારું આંદોલન મારા માટે નથી, પરંતુ તમારા અને તમારા બાળકોના ભવિષ્ય માટે છે. જો તમે તમારા અધિકારો માટે અવાજ નહીં ઉઠાવો તો તમે ગુલામો જેવું જીવન જીવશો.  ગુલામો જમીન પર કીડીઓ જેવા જ હોય ​​છે. આ તમારા અધિકારો અને સ્વતંત્રતા માટેની લડાઈ છે. જ્યાં સુધી તમને તમારો અધિકાર ન મળે ત્યાં સુધી શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રાખો.

 

LEAVE A REPLY

four − 3 =