£165 મિલિયનના કોકેઈન ઓપરેશનમાં ભાગ ભજવનાર નોટિંગહામશાયરના સેન્ડ્રિંગહામ ડ્રાઇવ, ડર્બીના 33 વર્ષીય ટાયરોન ગિબન્સને કોકેઈન સપ્લાય કરવાના કાવતરા માટે સાત વર્ષ અને સાત મહિનાની તેમજ ડર્બીના વિલેજ સ્ટ્રીટના 39 વર્ષીય નરિન્દરપાલ સહોટાને કોકેઈન સપ્લાય કરવા અને ગુનાહિત સંપત્તિ છુપાવવા, વેશપલટો કરવા, કન્વર્ટ કરવા અથવા ટ્રાન્સફર કરવાનું કાવતરું ઘડવા બદલ શુક્રવાર, 4 ફેબ્રુઆરીએ નોટિંગહામ ક્રાઉન કોર્ટમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

ગેંગના 2 સભ્યોને ગયા મહિને ગેંગમાં તેમની ભૂમિકા બદલ સજા ફટકારવામાં આવી હતી. તેઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ગેંગમાં સામેલ હતા અને દરરોજ £400,000નું ડ્રગ્સ યુકે લાવતા હતા.

નોટિંગહામ સિટી સેન્ટરના સ્ટાન્ડર્ડ હિલના 36 વર્ષીય માઈકલ કરીમ અને મેન્સફિલ્ડ રોડ, પેપલવિકના 57 વર્ષીય કેલી વિલિયમસનને લાંબા કાવતરામાં “હોલસેલ ગ્રાહકો” તરીકે વર્ણવવામાં આવ્યા હતા અને જેલમાં ધકેલાયેલા સંખ્યાબંધ પુરુષોમાંના એક હતા.

ડ્રગ્સ ગેંગનું નેતૃત્વ ભારતીય મૂળના પાલદીપ મહંગર દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે 100 કિગ્રા ઉચ્ચ શુદ્ધતાવાળા કોકેઈનને સમગ્ર દેશમાં ખસેડવા માટે આયોજન કર્યું હતું. તેણે દુબઈના સંપર્કો દ્વારા બહુ બધા ડ્રગનો ઓર્ડર આપવા માટે એન્ક્રિપ્ટેડ એન્ક્રોચેટ ફોનનો ઉપયોગ કર્યો હતો.

આ ગેંગની લુટન અને ડર્બીની “ઓફિસ” ખાતેથી કોકેઈનના વેચાણ દ્વારા 16 માર્ચ અને 30 એપ્રિલ 2020 દરમિયાન અંદાજે £18.6 મિલિયન બનાવવામાં આવ્યા હતા.

તપાસનું નેતૃત્વ કરનાર ઈસ્ટ મિડલેન્ડ્સ સ્પેશિયલ ઓપરેશન યુનિટના ડિટેક્ટીવ ચીફ ઈન્સ્પેક્ટર ટિમ વોલ્ટર્સે જણાવ્યું હતું કે “ગેંગ દ્વારા તેમના રોકડ પ્રવાહ પર દેખરેખ રાખવા માટે ‘ટોકન’ સિસ્ટમનો ઉપયોગ થયો હતો. અમે ગેરકાયદેસર રીતે કમાયેલી સંપત્તિને જપ્ત કરીશું.”

ગેંગના અન્ય એશિયન સભ્યોને નીચે મુજબની સજાઓ મળી હતી:

  • પાલદીપ મહંગાર, વિલો ક્લોઝ, ડર્બી (ઉ.વ. 45) 18 વર્ષ અને ત્રણ મહિનાની જેલ.
  • જસવંત કાજલા બ્લુબર્ડ ડ્રાઇવ, કોવેન્ટ્રી (ઉ.વ. 41) 15 વર્ષ અને ત્રણ મહિનાની જેલ.
  • મનરાજ જોહલ, ટર્નપાઈક ડ્રાઈવ, લુટન (ઉ.વ. 32) 15 વર્ષ અને આઠ મહિનાની જેલ.
  • મનવીર સિંહ ઉર્ફે મનવીર ખાખ, HMP નોટિંગહામ જેલ, (ઉ.વ. 33) 13 વર્ષની જેલ.
  • નિમરત બહિયા, HMP નોટિંગહામ જેલ, (ઉ.વ. 26) સાત વર્ષ અને એક મહિનાની જેલ.
  • રણજિત સંધુ, કેરિંગ્ટન સ્ટ્રીટ, ડર્બી (ઉ.વ. 49) છ વર્ષ અને દસ મહિનાની જેલ.
  • બશારત ઈકબાલ, ક્રોમવેલ રોડ, ડર્બી, (ઉ.વ. 46) સાત વર્ષ અને નવ મહિનાની જેલ.
  • બનારસ ઈકબાલ, HMP નોટિંગહામ જેલ, (ઉ.વ. 42) ચાર વર્ષ અને નવ મહિનાની જેલ.
  • આદિલ સદ્દીક, પોર્ટલેન્ડ સ્ટ્રીટ, ડર્બી, (ઉ.વ. 35) ચાર વર્ષ અને સાત મહિનાની જેલ.
  • મોહમ્મદ શફીક, HMP નોટિંગહામ જેલ, (ઉ.વ. 38) 12 વર્ષની જેલ.

ગેંગના અંતિમ સભ્ય, ટર્નપાઈક ડ્રાઈવ, લુટનના 37 વર્ષીય તલવિંદર જોહલને પછીથી સજા સંભળાવવામાં આવશે.

(તસવીર સૌજન્ય: ડર્બીશાયર પોલીસ)