સિડનીમાં શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતની ટીમનો ફરી ધબડકો થયો હતો અને ટીમ ભારતને 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માને પડતો મૂકવાનો મોટો નિર્ણય કરાયો હતો, આમ છતાં ભારતના દેખાવમાં કોઇ ફરક પડ્યો નથી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસના અંતે એક વિકેટ ગુમાવીને નવ રન બનાવ્યાં હતાં.
ટી બ્રેક વખતે ભારતની 107 રનમાં ચાર વિકેટ પડી હતી. ભારતે અંતિમ સત્રમાં 78 રનમાં બાકીની છ વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી રિષભ પંતે (98 બોલમાં 40 રન) સૌથી વધુ રન બનાવ્યા હતાં જ્યારે ઓસ્ટ્રેલિયાના બોલરોમાં સ્કોટ બોલેન્ડ 31 રનમાં ચાર વિકેટ ઝડપીને શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.
જવાબમાં, ઓસ્ટ્રેલિયાએ દિવસનો અંતે એક વિકેટે નવ રન બનાવ્યાં હતા. જસપ્રીત બુમરાહે દિવસના છેલ્લા બોલે ઉસ્માન ખ્વાજાને આઉટ કર્યો હતો. ખ્વાજાને આઉટ કર્યા બાદ બુમરાહ અને ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી સેમ કોન્સ્ટાસ વચ્ચે બબાલ થઈ હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની આ અંતિમ અને પાંચમી ટેસ્ટ છે. ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ કંઈ ખાસ કમાલ ન બતાવી શક્યો. તે 10 રને જ આઉટ થઈ ગયો હતો. તેના પછી કે.એલ રાહુલ પણ 4 રન બનાવીને બોલાન્ડનો શિકાર બની જતાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી હતી. જેના પછી રોહિતની જગ્યાએ ટીમમાં આવેલા શુભમન ગિલે પણ 20 રન બનાવીને વિકેટ ફેંકી દેતા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મૂકાઈ હતી. લંચ બાદ રમત ફરી શરૂ થતાં વિરાટ કોહલીનું ફરી ફ્લોપ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ વખતે પણ તે બોલાન્ડની બોલિંગમાં વેબસ્ટરને કેચ આપી બેઠો હતો. ફરી એકવાર તેના બેટને એજ અડી ગઇ અને થર્ડ સ્લિપમાં તેનો કેચ થઈ ગયો હતો. કોહલી છેલ્લી ઘણી ઇનિંગમાં લગભગ આ રીતે જ આઉટ થતો જોવા મળ્યો છે.
રોહિત શર્મા વગરની ટીમ ઈન્ડિયાને આજે વિરાટ કોહલી પાસેથી ઘણી આશાઓ હતી જેના પર લગભગ પાણી ફરી વળ્યું હતું. ચોથી ટેસ્ટનો સ્ટાર નીતિશ રેડ્ડી આ વખતે ફ્લોપ રહ્યો હતો અને શૂન્ય પર આઉટ થયો હતો. તેના બાદ વોશિંગ્ટન સુંદરે 14 રન કરીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.












