(Photo by Ernesto Distefano/Getty Images for ICONINK)

બહુચર્ચિત ફિલ્મ-સ્લમડોગ મિલિયોનરથી દેશ-વિદેશમાં જાણીતા બનેલા યુવા અભિનેતા દેવ પટેલે ફરીથી દિગ્દર્શક તરીકે કામ કરવાનું વિચાર્યું છે. મધ્યયુગીન ભારતની યુદ્ધ કથાને દર્શાવતી આ ફિલ્મમાં તે લેખક અને અભિનેતા તરીકે પણ કામ કરશે. ડાયરેક્ટર તરીકે આ દેવની બીજી ફિલ્મ છે. અગાઉ તેણે ફિલ્મ મંકી મેનનું દિગ્દર્શન કર્યું હતું.

આ ફિલ્મ બનાવનારી કંપની થંડર રોડ પિક્ચર્સ અને દેવ પટેલ ફરી સાથે કામ કરી રહ્યા છે. દેવની નવી ફિલ્મ ‘ધ પીઝન્ટ’ને રીવેન્જ એક્શન ડ્રામા કહેવામાં આવે છે. તેમાં ‘બ્રેવહાર્ટ’ અને ‘જોન વિક’ જેવી ફિલ્મોના મિશ્રણ સાથે ‘કિંગ આર્થર’ની ઝલક જોવા મળશે. 13મી સદીના ભારતની કથા દર્શાવતી આ ફિલ્મમાં પશુપાલકો કેન્દ્ર સ્થાને છે.

ભાડૂતી યોદ્ધાઓએ પશુપાલક સમાજ પર ખૂબ અત્યાચાર કર્યા હતા. અત્યાચારનો બદલો લેવા માટે પશુપાલકો હાથમાં હથિયાર ઉપાડે છે અને સામાન્ય નાગરિકો ખૂંખાર લડવૈયા બને છે. ઈટાલિયન બેકગ્રાઉન્ડમાં આ ફિલ્મની સ્ટોરી તૈયાર થઈ હતી. 2023ના વર્ષમાં બ્લેકલિસ્ટ યાદીમાં આ ફિલ્મનો ઉલ્લેખ થયો હતો. ‘બ્લેકલિસ્ટ’ એ પ્રોડ્યુસ નહીં થયેલા લોકપ્રિય સ્ક્રિનપ્લેની યાદી છે. દેવ પટેલના આગમન પછી ફિલ્મની દિશા બદલાઈ છે. ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને સમૃદ્ધિને જોતાં તેની સ્ટોરી ઈટાલીના બદલે ભારતનું સ્થાન અપાયું છે.

ભારતની રહસ્યમયી રોમાંચક કથાઓ આ ફિલ્મને વધારે રસપ્રદ બનાવશે, તેવું દેવ માને છે. ‘ધ પીઝન્ટ’ને ફ્રેન્ચાઈઝી સ્વરૂપે વિકસાવવાનું પણ પ્રોડ્યુસરનું આયોજન છે. ‘મંકી મેન’માં શાર્લ્ટો કોપ્લી, પિટોબેશ, વિપિન શર્મા, સિકંદર ખેર, શોભિતા ધૂલીપાલા, અશ્વિની કાલેસકર, અદિતી કાલકુંથે અને મકરંદ દેશપાંડે મહત્ત્વના રોલમાં હતા. ‘ધ પીઝન્ટ’માં દેવની સાથે અન્ય કયા કલાકારો છે? તેનો ખુલાસો થયો નથી. જો કે હોલીવૂડ પ્રોડક્શનની આ ફિલ્મમાં ઘણાં ભારતીય કલાકારોને તક મળવાની શક્યતા છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments