કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે ઘરઆંગણે રાજસ્થાન રોયલ્સ સામેના આઈપીએલ જંગમાં ભારે ઉત્તેજનાપૂર્ણ મેચ પછી ફક્ત એક રને રાજસ્થાનને હરાવી પ્લેઓફ્સમાં પહોંચવાની પોતાની તકો જીવંત રાખી હતી. આ પરાજય પછી રાજસ્થાન પ્લે ઓફ્સની સ્પર્ધામાંથી બહાર થઈ ગયું છે.
પ્લેયર ઓફ ધી મેચ આન્દ્રે રસેલના 25 બોલમાં અણનમ 57 તથા રીંકુ સિંઘના 6 બોલમાં અણનમ 19 રન સાથે તેમજ અંગકૃષ રઘુવંશીના 31 બોલમાં 44 રન સાથે કોલકાતાએ ચાર વિકેટે 206 રન કરી રાજસ્થાનને પડકારજનક ટાર્ગેટ આપ્યો હતો. જો કે, રાજસ્થાનના સુકાની રીયાન પરાગની ઝંઝાવાતી બેટિંગ, છ બોલમાં છ સિક્સર સાથે 45 બોલમાં 95 રન તેમજ હેટમાયર અને શિવમ દુબેના મરણિયા પ્રયાસો છતાં રાજસ્થાનની ઈનિંગ 8 વિકેટે 205 રને અટકી જતાં કોલકાતાનો દિલધડક વિજય થયો હતો.
કોલકાતાની ઈનિંગમાં જોફ્રા આર્ચર ચાર ઓવરમાં ફક્ત 30 રન આપી એક વિકેટ સાથે સૌથી વધુ અસરકારક બોલર રહ્યો હતો, તો આકાશ મધવાલ 3 ઓવરમાં 50 રન આપી સૌથી મોંઘો સાબિત થયો હતો. રાજસ્થાનની ઈનિંગમાં મોઈન અલી, હર્ષિત રાણા અને વરૂણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી, જો કે સુનિલ નારાયણ ચાર ઓવરમાં ફક્ત 27 રન આપી સૌથી કરકસરયુક્ત સાબિત થયો હતો.
