ભારતના ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની (ફાઇલ ફોટો DIBYANGSHU SARKAR/AFP via Getty Images)

ભારતની ક્રિકેટ ટીમનો સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી પત્ની સાક્ષી સાથે પ્રોડ્યુસર બનવા જઈ રહ્યો છે. સાક્ષીએ એક ઇન્ટરવ્યૂમાં આ અંગે જાણકારી આપ્યા બાદ તે આર્ટિકલનો ફોટો પણ ટ્વિટર પર શેર કર્યો હતો. દંપત્તિએ એક અઘોરીના જીવન પર વેબ સીરિઝ બનાવવાનું નક્કી કર્યું છે. અત્યારે આ શો માટે કાસ્ટ અને ડાયરેક્ટર નક્કી કરવામાં આવી રહ્યા છે.

ધોનીએ 2019માં ‘રોર ઓફ ધ લાયન’ ડોક્યુમેન્ટરીની રજૂઆત સાથે પોતાનું બેનર ‘ધોની એન્ટરટેનમેન્ટ’ લોન્ચ કર્યું હતું. હવે આગામી સમયમાં ધોની અને સાક્ષી વધુ પ્રોજેક્ટ્સ દર્શકો સમક્ષ લાવવાની તૈયારીમાં છે. તેમણે પ્રકાશિત ન થયેલી એક બુકના રાઇટ્સ ખરીદી લીધા છે.

સાક્ષીએ આ બુક વિશે વિસ્તારમાં વાત કરતા કહ્યું કે, “અમે એક ડેબ્યુટન્ટ રાઇટરની અપ્રકાશિત બુકના રાઇટ્સ ખરીદી લીધા છે. તેના પરથી એક વેબ સીરિઝ બનાવવામાં આવશે. આ એક સ્કાઈ-ફાઈ સ્ટોરી હશે, જેમાં એક અઘોરીના જીવનની જર્ની બતાવવામાં આવશે. અમારી ક્રિએટિવ અત્યારે કાસ્ટ અને ડાયરેક્ટર ફાઇનલ કરી રહી છે. આ સિવાય પ્રોડક્શન હાઉસ પાસે અન્ય પાંચ પ્રોજેક્ટ્સ પણ પાઇપ લાઈનમાં છે.”