ઉત્તરપ્રદેશના હાથરસ પછી હવે બલરામપુર જિલ્લામાં 22 વર્ષીીય દલિત યુવતી પર બે યુવાનોએ કથિત બળાત્કાર કર્યો હોવાની ઘટના બની હતી. કોલેજની વિદ્યાર્થિનીને કિડનેપ કરી ઈન્જેક્શન આપીને બેભાન કરી દીધી અને ત્યાર પછી બે આરોપીએ રેપ કર્યો હતો. છોકરીની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે એ પહેલાં જ તેનું મોત થઈ ગયું હતું.

પોલીસે સાહિલ અને શાહિદ નામના બે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમના વિરુદ્ધ ગેંગરેપ અને હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બલરામના એસપી દેવ રંજન વર્માએ જણાવ્યું હતું કે અમને ગૈસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે યુવતી કોલેજની ફી જમા કરાવવા મંગળવારે સવારે 10 વાગે ઘરેથી નીકળી હતી. સાંજે 7 વાગતાં યુવતી ગંભીર હાલતમાં રિક્ષામાં ઘરે આવી હતી. તેના હાથ પર ઈન્જેક્શનનું નિશાન હતું. તે બેભાન અવસ્થામાં હતી અને બોલી પણ નહોતી શકતી. પરિવારજન તેને તરત ડોક્ટર પાસે લઈ ગયા હતા. ત્યાર પછી ડોક્ટરના કહેવાથી તેને લખનઉ લઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું.