પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેન્સરની ગંભીર બીમારી સામે શરીરની રોગપ્રતિકાર શક્તિને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેવા એક પ્રોટીનની સંશોધકોની એક ટીમે શોધ કરી છે. આનાથી આ અસાધ્ય બીમારી સામે લડવામાં મોટી સફળતા મળી શકે છે.

ફિનલેન્ડમાં ટુર્કુ યુનિવર્સિટીના સંશોધકોએ TIMP-1 નામના પ્રોટીનની શોધ કરી છે, જે પરંપરાગત રીતે શરીરના કોષો અને પેશીઓને થતાં નુકસાનને અટકાવવા માટે જાણીતું છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે આ પ્રોટીન કેન્સર સામે શરીરની રોગપ્રતિકાર શક્તિમાં ચાવીરુપ ભૂમિકા પણ ભજવે છે. આ શોધથી કેન્સરની હાલની સારવારની અસરકારતામાં સુધારો થઈ શકે છે.

TIMP-1 પ્રોટીન ડેંડ્રિટિક કોષો દ્વારા ઉત્પન્ન થાય છે. શરીરમાં આ ખાસ પ્રકારના ઇમ્યુન સેલ  રોગપ્રતિકારક પ્રતિભાવો શરૂ કરે છે તથા કેન્સરના કોષોને ઓળખીને તેનો નાશ કરવા માટે રોગપ્રતિકારક શક્તિની ક્ષમતા વધારે છે.

તુર્કુ યુનિવર્સિટીના સંશોધક કાર્લોસ રોજેરિયો ફિગ્યુરેડોએ જણાવ્યું હતું કે TIMP-1 પ્રોટીનની ઉણપ ધરાવતા દર્દીઓ માટે અમારી શોધ વધુ સારી થેરાપેટિક ઇનોવેશનનું સર્જન કરવામાં મદદ કરે છે. આ તારણો વાયરસ અને બેક્ટેરિયા દ્વારા થતા ચેપ સામે લડવા માટે પણ ઉપયોગી છે.

આ અભ્યાસ જર્નલ જીન્સ એન્ડ ઇમ્યુનિટીમાં પ્રકાશિત થયો હતો, જે નેચર પોર્ટફોલિયો શ્રેણીનો એક ભાગ છે. આ અભ્યાસમાં ક્લિનિકલ સંશોધન માટે ફિનિશ ઓરિયા બાયોબેન્કના સેમ્પલનો ઉપયોગ કરાયો હતો.

LEAVE A REPLY