લંડનના અક્સબ્રીજના હિલિંગ્ડનમાં રહેતા જાણીતા ડીજે અને હાર્ડમન્ડ્સવર્થ ફૂટબોલ ક્લબના સેક્રેટરી ડેની શર્માનુ કોરોનાવાયરસની બીમારીને કારણે ગુરૂવારે સવારે તા. 26 માર્ચના રોજ વહેલી સવારે મરણ થયુ હતુ. હેમરસ્મિથ હોસ્પિટલમાં દાખલ થયેલા ડેનીએ પોતાના મૃત્યુના થોડા દિવસો પહેલા હોસ્પિટલના બેડ પરથી પોતાના સોશ્યલ મિડાયા પર સેલ્ફી મૂકી હતી અને ફેસબુક ફ્રેન્ડ્ઝને જણાવ્યું હતું કે મૃત્યુ પામ્યાના થોડા દિવસ પહેલા તેઓ શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા હતા. માનવામાં આવે છે કે તેઓ પહેલાથી જ નબળુ આરોગ્ય ધરાવતા હતા.

40 વર્ષની વયે મૃત્યુ પામેલા ડેનીએ જણાવ્યુ હતુ કે ‘’હું ઈચ્છુ છુ કે હું બહાર તડકામાં રહુ.’’ અન્ય એક અપડેટમાં તેમણે લખ્યું હતુ કે “ચોથા દિવસનું અપડેટ – વિંડોની બહાર બહુ સરસ લાગે છે. કાશ હું પણ બહાર વિટામિન ડી લેતો હોત. શ્વાસ લેવાનું મુશ્કેલ છે પરંતુ  હજી લડી રહ્યો છું.”

ડીજે ડેન તરીકે જાણીતા ડેની હેમરસ્મિથમાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ હતા. તેમણે તા. 23ના રોજ પોસ્ટ અપડેટ કરતા જણાવ્યુ હતુ કે “મારું જીવન ખરેખર ચૂસાઇ રહ્યુ છે! વિશ્વાસ નથી થતો કે મને કોરોનાવાયરસ મળ્યો છે.”

હાર્ડમન્ડ્સવર્થ એફસીના અધિકારીઓએ શ્રી શર્માને શ્રદ્ધાંજલિ આપી હતી. હાર્ડમન્ડ્સવર્થ લીગમાં જ આવેલી સેન્ડગેટ એફસીએ ટ્વિટ કર્યું હતુ કે ‘ડેની શર્માના અવસાનના સમાચાર સાંભળીને દુખ થયુ. આ દુ:ખદ સમયે પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના પાઠવીએ છીએ.

તેઓ હેલ્પ ધ હોમલેસ પ્રોજેક્ટમાં સહાય કરતા હતા.