બાર્ની ચૌધરી

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે કોરોનવાઈરસથી એશિયન અને બ્લેક લોકોના વધુ પડતા મોત અને તેમને અપ્રમાણસર વધારે અસરની સમીક્ષા કરતા જણાયું હતું કે આ સમય દરમિયાન મૃત્યુ પામનારા 17 ડોકટરોમાંના 16 ડોક્ટર્સ BAME સમુદાયના હતા એમ ‘ગરવી ગુજરાત’ને જાણવા મળ્યું છે. ડૉક્ટર્સ યુનિયન બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA)ને ડર છે કે રોગચાળાને લગતા નિયંત્રણમાં સરકારના “નેતૃત્વની સંપૂર્ણ નિષ્ફળતા”ના કારણે વધુ તબીબો બિનજરૂરી રીતે મોતને ભેટશે.

તા. 16 એપ્રિલથી શરૂ થયેલી આ સમીક્ષાનો એક અહેવાલ ગત મંગળવારે તા. 2 જૂનના રોજ પ્રકાશિત થયો હતો. વરિષ્ઠ ડોકટરોએ PHEની સમીક્ષા “વ્હાઇટવોશ”, “સમયનો સંપૂર્ણ વેડફાટ” અને ” ગુમાવેલી તક” તરીકે વર્ણવ્યો હતો. તે સમીક્ષામાં કોઈ ભલામણો નહીં કરાઈ હોવાથી તે નિષ્ફળ ગણાય છે.BMAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમારા રેકોર્ડ બતાવે છે કે ઓછામાં ઓછા 17 ડૉકટરો તે તારીખો વચ્ચે કોરોનાવાઈરસના કારણે મૃત્યુ પામ્યા હતા અને એક સિવાયના બધા જ BAME હતા. આ તે સૂચિનો એક ભાગ છે કે જેને આપણે એકત્રિત કરી રહ્યા છીએ, પરંતુ તે કોઈ રીતે સંપૂર્ણ અથવા નિશ્ચિત સૂચિ નથી તેથી સંખ્યા વધારે હોઈ શકે છે.”

શુક્રવાર તા. 5 જૂનના રોજ ‘ગરવી ગુજરાત’ના બીજા વર્ચ્યુઅલ રાઉન્ડટેબલ દરમિયાન વધુ ફ્રન્ટલાઈન કર્મચારીઓ તેમની ફરજ બજાવતા મૃત્યુ પામશે તેવી સંપૂર્ણ ચેતવણી આપવામાં આવી હતી. સમીક્ષામાં એ પણ બહાર આવ્યું છે કે એનએચએસમાં માળખાકીય રેસિઝમ સંબંધિત બાબતો અંતિમ અહેવાલમાંથી પડતી મુકવામાં આવી હતી.
બ્રિટિશ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડૉ. ચાંદ નાગપૌલે જણાવ્યું હતું કે, “અમે સાંભળ્યું છે કે BAME બેકગ્રાઉન્ડના ઘણા ડોકટર્સ ઉપર શ્વેત ડૉક્ટર્સની તુલનાએ, સંપૂર્ણ સુરક્ષા વિના, પૂરતા રક્ષણ વિના દર્દીઓને જોવા માટે દબાણ કરાય છે.
ડૉક્ટર્સ યુનિયન પાછલા બે મહિનાથી દર પખવાડિયે તેના સભ્યોના મંતવ્યો લઇ રહ્યું છે. તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે લોકો યોગ્ય ઉપકરણોથી સુરક્ષિત છે. BAME બેકગ્રાઉન્ડના ડોકટરો અને અન્ય હેલ્થ કેર કામદારો ઐતિહાસિક સાંસ્કૃતિક અસમાનતાને કારણે અવાજ ઉઠાવવામાં સમર્થ નથી.”તેમણે કહ્યું હતું કે “લોકો અમને કૉલ કરી શકે તે માટે અમારી પાસે 24-કલાકની હેલ્પલાઇન છે. પરંતુ તે પછી પણ, મેં સાંભળ્યું છે કે લોકો તેમના ટ્રેડ યુનિયનનું સમર્થન હોવા છતાં પણ બોલતા ડરે છે. પરંતુ આ સ્થિતિ રોકવાની જરૂર છે કારણ કે આ તેમના જીવન અને મરણનો સવાલ છે.”
NHS ઇંગ્લેંડના જણાવ્યા અનુસાર, 2 જૂને સમીક્ષા પ્રકાશિત થઇ ત્યાં સુધીમાં આશરે 3,700 એશિયન અને બ્લેક લોકો કોવિડ-19થી મૃત્યુ પામ્યા હતા. અહેવાલ મુજબ શ્વેત બ્રિટિશ લોકોની તુલનાએ વંશીય લઘુમતીઓમાં મૃત્યુનું જોખમ 10થી 50 ટકા વધારે રહેલું છે.સ્ટૌરબ્રિજ સ્થિત લાઇમ્સ મેડિકલ સેન્ટરનાં જી.પી. અને રસેલ્સ હૉલ હોસ્પિટલના અરજન્ટ કેર સેન્ટરના ડૉ. સમરા અફઝલે જણાવ્યું હતું કે, “હું આ સમીક્ષાથી ખૂબ નિરાશ થઇ છું કારણ કે તેમાં જણાવેલી ઘણી બધી બાબતો આપણે પહેલાથી જાણીએ છીએ.
મારા દર્દીઓએ ફોન કર્યો હતો કે તેમને પોતાનું ઘર છોડીને બહાર નીકળતા ખૂબજ ડર લાગે છે, કારણ કે સમાચારોમાં એવું કહેવાયું છે કે તેમની મૃત્યુ પામવાની સંભાવના 50 ટકા સુધી વધારે છે. છતાં કોઈએ એક સાથે દરેક હોસ્પિટલ કે દરેક ટ્રસ્ટનો સંપર્ક કરવાનો અને કહેવાનો પ્રયાસ કર્યો નથી કે અમને આ ક્લિનિકલ નોટ્સની જરૂર છે, તેની ચકાસણી કરવી છે.”બીએમએના માનદ ઉપપ્રમુખ ડો. કૈલાસ ચંદે કહ્યું હતું કે ‘’શરૂઆતથી જ મને PHEની સમીક્ષા પર વિશ્વાસ નહોતો.
આ રોગચાળો 1918માં સ્પેનિશ ફ્લુ થયો તે પછીના તમામ રોગચાળાની માતા સમાન છે. કોવિડ-19 એક પુસ્તક છે, અને બ્રિટન વિશેનુ પ્રકરણ લખાયું ત્યારે મને લાગે છે કે તેનુ હેડીંગ ‘નેતૃત્વની સંપૂર્ણ નિષ્ફળતા’ હશે. તે શરમજનક છે કે આપણે કંઇ શીખ્યા નથી.”બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) ના પ્રમુખ ડૉ. રમેશ મહેતાના કહેવા મુજબ ‘’અમારા સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ શ્વેત સાથીદારોની તુલનાએ કોરોનાવાઈરસના દર્દીઓ સાથે તેમનો 90 ટકા સમય ગાળે છે, જ્યારે તે લોકો બાકીના 10 ટકા સમય જ સંપર્કમાં આવે છે. 2,000 ડોકટરોનો જવાબ ધરાવતા બે સર્વે અમે કર્યા છે. તેમાંથી માત્ર 20 ટકા લોકો પાસે યોગ્ય પી.પી.ઇ. છે, જે દયનીય છે.
સૌથી ખરાબ હાલત એ છે કે ત્યાં 64 ડૉક્ટરો એવા છે જેઓ કહે છે કે તેમને યોગ્ય PPE વગર ફ્રન્ટલાઈન પર જવા માટે બુલી કરવામાં આવી રહ્યા છે અને ત્રાસ આપવામાં આવ્યો હતો. તેથી, અમારા ડોકટર્સ એકદમ નારાજ અને ભયભીત પણ છે.”ડો. અફઝલે જણાવ્યું હતું કે “હું અપેક્ષા રાખુ છું કે પ્રત્યેક વ્યક્તિ માટે જોખમની ગણતરી કરી અમુક પ્રકારનો સ્કોર મેળવવો જોઇએ અને BAME ડોકટરો તથા નર્સો માટે કયા PPE જરૂરી છે તે નક્કી કરવું જોઈએ.
ઉદાહરણ તરીકે, બાંગ્લાદેશી ટેક્સી ડ્રાઈવર શીલ્ડિંગના નિયમો સાથે ખૂબ વધારે સ્કોર કરશે. મને ખાતરી છે કે ઘણા બધા BAME હેલ્થકેર કાર્યકરો હશે, જેઓ વૃદ્ધ છે તેમને કોમોર્બિડિટીઝ મળી છે, જેઓ ખરેખર શિલ્ડિંગ કેટેગરીમાં આવશે અને ફ્રન્ટલાઈનમાં આવી તેમનું જીવન જોખમમાં નાખી શકે નહીં.”
તા. 5 મેના રોજ પ્રકાશિત તેની સંદર્ભની શરતોમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ‘’જ્યાં ડેટા ઉપલબ્ધ છે, હોસ્પિટલમાં પ્રવેશ અને કોવિડ-19 ચેપના પરિણામો મળશે ત્યાં વ્યવસાયની અસર (હેલ્થ કેર કર્મચારીઓ સહિત) પર સમીક્ષામાં નિર્ધારિત કરાશે. જોખમની અસમાનતા ઘટાડવા અને વસ્તી ઉપરના કોવિડ-19 ના પરિણામો ઘટાડવા આગળની કાર્યવાહી માટે ભલામણો સૂચવવામાં આવશે.
બીએમએના અધ્યક્ષ ડૉ. નાગપૌલે જણાવ્યું હતું કે ગુમાવી દેવાયેલી તકોનું આ બીજું ઉદાહરણ હતું વાઈરસના ચેપનો ભોગ બનનારા દરેક હેલ્થકેર કાર્યકરોના ડેટા એકત્રિત કરવામાં નિષ્ફળતા. તેની ટીકા કરી તેમણે કહ્યું હતું કે ‘’BMAએ તેમણે કેટલો સમય ફ્રન્ટ લાઇન પર કોવિડને લગતું કાર્ય કર્યું, તેમની કો-મોર્બીડીટીઝ, અને પી.પી.ઇ. અંગે તેમને કોઈ ચિંતા છે કે કેમ તેની નોંધ તેમના જોબ રોલ પર કરાવવા માટે હાકલ કરી હતી.
ડૉ. નાગપૌલે જણાવ્યું હતું કે “લોકો ઉપર દબાણ હતું કે કેમ તે અંગેની માહિતી આપવામાં આવે. અમારા BMA સર્વેક્ષણના 50 ટકા ડોકટર્સ અમને કહે છે કે તેમને ખબર નથી કે તેઓ જોખમના મૂલ્યાંકન માટે હકદાર છે. તેથી જ ગયા અઠવાડિયે મેં 160,000 ડોકટરોને પત્ર લખીને કહ્યું હતું કે તેમને જોખમનું મૂલ્યાંકન કરાવવાનો અધિકાર છે. તેમને જોખમમાં ન મૂકાય તે જોવાનો તેમનો અધિકાર છે.
જોખમનું મૂલ્યાંકન કરનારા BAME ડૉક્ટર્સનો મોટો ભાગ તેનાથી અસંતોષ અનુભવે છે અને મને લાગે છે કે આ જ કારણે જોખમના મૂલ્યાંકનોમાં વધઘટ થાય છે. શું કરવાની જરૂર છે, ક્યાં આકારણી કરવાની જરૂર છે, અને ત્યારબાદ શું થાય છે તે અંગે ઉપરથી કોઈ હુકમ નથી.”
પેનલને એ બાબતની પણ ચિંતા હતી કે સરકારે હવે ડીપાર્ટમેન્ટ ફોર હેલ્થ એન્ડ સોશ્યલ કેરને બદલે ઇક્વાલીટી મિનિસ્ટર કેમી બેડેનોચને બીજી સમીક્ષાની જવાબદારી સોંપી છે.ગત સપ્તાહે કૉમન્સમાં તાકિદના પ્રશ્નનો જવાબ આપતા કુ. બેડેનોચે એ વાત સ્વીકારી નહોતી કે માળખાકીય રેસિઝમે કોવિડ-19 પર અસર કરી હતી. તેમણે કહ્યું કે પીએચઇએ એટલા માટે  ભલામણો કરી નથી કારણ કે કેટલાક જરૂરી ડેટા નિયમિતપણે એકત્રિત કરવામાં આવતા નહોતા.
ડૉ. મહેતાએ દાવો કર્યો હતો કે, “સરકાર તરફથી અત્યાર સુધીનો આખો પ્રતિસાદ એકદમ કઢંગો રહ્યો છે. ત્યાં કોઈ સુસંગતતા નથી. તેઓ કહેતા રહે છે કે આ વૈજ્ઞાનિક સલાહ છે, પરંતુ મને ખાતરી નથી કે તેઓ વૈજ્ઞાનિક સલાહને અનુસરે છે કે કેમ? તે બધા રાજકીય નિર્ણયો છે.”પેનલના તમામ સદસ્યો રીવ્યૂ ટીમને હાકલ કરવા માટે એક થયા હતા કે ‘’હેલ્થ ટ્રસ્ટ પર રીસ્ક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને યોગ્ય જોખમનુ મૂલ્યાંકન કરવા દબાણ કરવા રીવ્યુ ટીમને ભલામણ કરશે.’’
બાપીઓના ડો. મહેતાએ જણાવ્યું હતું કે, “અમને આ ટ્રસ્ટ તરફથી જવાબો મળ્યા હતા, જેમાં કહ્યું હતું કે, હા, તમારા ઉકેલો સાચા છે, અને અમે તે કરવા જઇ રહ્યા છીએ. પરંતુ અમે, અમારા સભ્યોના પ્રતિસાદમાં સાંભળીએ છીએ કે તે થઈ રહ્યું નથી. અમે હવે એક પગલું આગળ વધી ભલામણ કરીએ છીએ કે બધા ફ્રન્ટલાઈન BAME હેલ્થકેર કાર્યકરો માટે, ખાસ કરીને કોવિડ દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેવા ડોક્ટર્સ પાસે અપગ્રેડેડ સાધનો હોવા જોઈએ.”
BMA ના અધ્યક્ષ, ડૉ. ચાંદ નાગપૌલ, સમીક્ષાને આગળ વધારવા માગે છે. “અમારે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તે સંસ્થાઓના નેતાઓ BAME હેલ્થકેર વર્કફોર્સના યોગદાનનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરે અને NHSના એક ભાગ તરીકે તેમને એ યોગ્ય તક આપે જેના તેઓ હક્કદાર છે. તેઓએ ખરેખર એ જાણવાની નમ્રતાપૂવર્ક જરૂરત છે છે કે BAME વર્કફોર્સ વિના આ દેશમાં હેલ્થકેર સર્વિસ જ નહીં હોય.