અમેરિકન ડોલર સામે પોતાની કરન્સીનું અવમૂલ્યન થતું અટકાવવા એશિયાના દેશોએ સપ્ટેમ્બરમાં પોતાના ફોરેકસ રીઝર્વમાંથી 50 બિલિયન ડોલરનું વેચાણ કર્યું છે. માર્ચ 2020 પછી ડોલરનું આ સૌથી વધુ વેચાણ હોવાનું કહેવાય છે. જાપાનને બાદ કરતા ચીન સહિતના ઊભરતા દેશોમાંથી સપ્ટેમ્બરમાં 30 બિલિયન ડોલરનો આઉટફલો રહ્યો છે. જાપાનના આંકડાનો સમાવેશ કરીએ તો તેની કિંમત 50 બિલિયન ડોલર જેટલી થાય છે, તેમ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વર્તમાન વર્ષના પ્રથમ નવ મહિનામાં જાપાન સહિત એશિયાના દેશોમાં ડોલરનો વેચાણ આંક 89 બિલિયન ડોલર રહ્યો છે જે 2008ની વૈશ્વિક નાણાંકીય કટોકટી પછી સૌથી વધુ છે.
ડોલરની કિંમતમાં વધારાને કારણે વિવિધ દેશોની મુખ્ય બેન્કોના ફોરેકસ રિઝર્વમાં અન્ય દેશોના કરન્સીના મૂલ્યમાં ઘટાડો થયો છે. મોટાભાગના દેશોની કરન્સી સામે ડોલરના મૂલ્યમાં વધારો થયો છે.
સપ્ટેમ્બરમાં જાપાને 20 બિલિયન ડોલર, સાઉથ કોરિઆએ 17 બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું. છેલ્લા એક વર્ષમાં ભારતના ફોરેકસ રીઝર્વમાં 100 બિલિયન ડોલરથી વધુનો ઘટાડો થયો છે. હોંગકોંગ, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ તથા તાઈવાન સપ્ટેમ્બરમાં ડોલરના નેટ વેચાણકાર રહ્યા છે.
અમેરિકામાં વ્યાજ દર વધવા સાથે ડોલર માટેની માગમાં વધારો થયો છે જેને કારણે તેના મૂલ્યમાં વધારો થયો છે. જ્યારે બીજી બાજુ ક્રુડ તેલના ઊંચા ભાવને પરિણામે ભારત જેવા ક્રુડ તેલના મોટા ઇમ્પોર્ટ દેશોના બિલ્સમાં જોરદાર વધારો થયો છે, જેને કારણે તેમની કરન્સી પર દબાણ વધ્યું છે.

LEAVE A REPLY

two × 2 =