ટ્રમ્પ સરકારે તેના વલણમાં એક મહત્ત્વના પરિવર્તનમાં એક ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એવી રજૂઆત કરી છે કે અગાઉની ઓબામા સરકારના સમયના એક નિર્ણયને કોર્ટ રદ કરે નહીં અને H-1B વીસા હોલ્ડર્સના પરિવારજનોને મળતા H-4 વીસા હેઠળ તેમને વર્ક પરમીટ અપાય છે, તે યથાવત ચાલુ રાખે, અટકાવે નહીં.

વોશિંગ્ટન ડિસ્ટ્રિક્ટની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યુરીટી (DHS) એ એવી દલીલ કરી હતી કે, H-4 વીસા હોલ્ડર્સને વર્ક પરમીટ આપવાના નિર્ણયથી અમેરિકન નાગરિકો એવા ટેકનોલોજી વર્કર્સને એવું કોઈ મોટું, ભરપાઈ થઈ ના શકે તેવું નુકશાન થયું નથી. અમેરિકન ટેકનોલોજી વર્કર્સે 2015માં H-1B વીસા હોલ્ડર્સને વર્ક પરમીટ આપવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે.

અમેરિકામાં મોટા ભાગના H-1B વીસા હોલ્ડર્સ ભારતીય આઈટી પ્રોફેશનલ્સ છે. ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યુરીટીએ મંગળવારે કોર્ટમાં કરેલી રજૂઆતમાં એવું કહ્યું હતું કે, અમેરિકન ટેકનોલોજી વર્કર્સ વતી સેવ જોબ્સ યુએસએ દ્વારા કરાયેલા આ કેસમાં પાંચ વર્ષ જુની એફિડેવિટ્સના આધારે તેના સભ્યોને જે સંભવિત આર્થિક નુકશાનની વાત કરાઈ છે તે ફક્ત અનુમાન આધારિત છે.

આ કેસ સેવ જોબ્સ યુએસએ દ્વારા 2015માં કરાયો હતો અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 2017માં સત્તા ઉપર આવ્યા પછી તે જ વર્ષે ડીસેમ્બરમાં ટ્રમ્પ સરકારે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, તે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઓબામાના કાળના આ નિયમો રદ કરવાનું વિચારી રહી છે. જો કે, સરકારે હજી તે રદ પણ કર્યો નથી.

કોર્ટમાં રજૂ કરેલી પોતાની 11 પાનાની દલીલોમાં ડીએચએસે એવું ભારપૂર્વક જણાવ્યું હતું કે, સેવ જોબ્સ યુએસએ પોતાનો કેસ સંતોષકારક રીતે પુરવાર કરવામાં નિષ્ફળ રહી છે.

કોંગ્રેસનલ રીસર્ચ સર્વિસ (સીઆરએસ) દ્વારા રજૂ કરાયેલા 2018ના એક રીપોર્ટ મુજબ ડીસેમ્બર 2017ની સ્થિતિ અનુસાર H-4 વીસા હોલ્ડર્સની વર્ક પરમીટની કુલ 1,26,853 અરજીઓ મંજુરી કરવામાં આવી હતી. આવી વર્ક પરમીટ મેળવનારાઓમાંથી 93 ટકા લોકો ભારતીયો છે અને પાંચ ટકા ચીનના છે.