અગ્રણી જી.પી. ડૉ. હસમુખ શાહ

સાઉથ વેલ્સના અગ્રણી જી.પી. અને બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશિયન ઑફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) વેલ્સના સેક્રેટરી ડૉ. હસમુખ શાહ, BEMની વરણી યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સના વિઝિટિંગ પ્રોફેસરશીપ માટે કરી તેમને વેલ્સ અને રાષ્ટ્રીય સ્તરે મેડિકલના શિક્ષણ અને નેતૃત્વ તેમજ પ્રાઇમરી કેર ક્ષેત્રે લાંબા સમય સુધી આપેલા તબીબી યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.

જૂન 2018માં, મહારાણીના બર્થડે ઓનર વખતે બ્રિટીશ એમ્પાયર મેડલ અને તત્કાલીન વડા પ્રધાન થેરેસા મે દ્વારા 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એનએચએસની લાંબા સમયની સેવા માટે NHS 70 બેજ મેળવનાર ડૉ. હસમુખ શાહને વેલ્સ સરકાર દ્વારા એપ્રિલ 2020થી એપ્રિલ 2021 દરમિયાન વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટરના BAME કોવિડ-19 એડવાઇઝરી ગૃપ અને રિસ્ક એસેસમેન્ટ સબ ગૃપમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડૉ. શાહે અન્ય સાથીદારો સાથે મળીને ઓલ વેલ્સ કોવિડ-19 રિસ્ક એસેસમેન્ટ ટૂલ અને રેસ ઇક્વાલીટી એક્શન પ્લાનની રચનામાં વેલ્સ સરકારને નેતૃત્વ અને સહાય પૂરા પાડ્યા હતા.

તેમણે કોવિડ વેક્સીન વેબિનાર્સનું આયોજન કરી તેમાં ભાગ લીધો હતો અને BAME સમુદાયોને રસી લેવા પ્રોત્સાહિત કરવા વેલ્સના સરકારી વિડિઓ પ્રમોશનમાં ભાગ લીધો હતો.

ડૉ. શાહ સનાતન ધર્મ મંડળ અને કમ્યુનિટિ સેન્ટર, કાર્ડિફ; વેલ ફોર આફ્રિકા, કેલોન હાર્ટ્સ અને રેસ કાઉન્સિલ સીમરૂ ચેરીટીઝના ટ્રસ્ટી છે. તેઓ માઇનોર એથનિક એસોસિએશન ફોર ઓપ્થોલ્મીક કેર – મેગાફોકસ જૂથના અધ્યક્ષ પણ છે.

ડૉ. શાહને વર્ષ 2017 માં તેમના લાંબા સમયથી ચાલતા તબીબી વ્યાવસાયિક કાર્ય, શિક્ષણ અને સેવાભાવી કાર્યો બદલ સાઉથ વેલ્સ યુનિવર્સિટી દ્વારા વિઝિટિંગ ફેલોશિપ એનાયત કરાઈ હતી.