15મી ઓગસ્ટ 2022ના દિવસ માટે યુકે અને દુનિયામાં કોઇ પણ છેડે વસતા દરેક ભારતીયને ન્યાય સાથે ગર્વની લાગણી થશે. આ તે ગૌરવવંતો દિવસ છે જ્યારે 75 વર્ષ પહેલાં ભારત બ્રિટિશ શાસનના બંધનમાંથી મુક્ત કરાયું હતું. તે એક અનેરી સિદ્ધિ હતી. સેંકડો શહીદોના મૃત્યુ પછી અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના અવિરત સંઘર્ષ પછી, ભારતે ઐતિહાસિક લાલ-કિલા પર ત્રિરંગા ધ્વજ લહેરાવવામાં સફળતા મેળવી.

હવે આજે આપણે એટલા જ ખુશ છીએ અને માથું ઊંચું રાખીને જીવીએ છીએ કારણ કે ભારતે ઘણી સમસ્યાઓ દૂર કરી વિશ્વના મંચ પર પોતાની ઓળખ બનાવી છે. ભારતનો મહિમા સર્વત્ર વ્યાપ્યો છે અને આપણે વિવિધ ક્ષેત્રે સફળતા મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે. આપણી સમસ્યાઓ ઘણી બધી છે પણ આપણું લક્ષ્ય એક  જ છે – અખંડ ભારત, સુખી ભારત અને સમૃદ્ધ ભારત. મારા જેવા દરેક ભારતીયો ભારતને પોતાના હૃદયમાં રાખે છે અને હંમેશા પોતાની માતૃભૂમિની કીર્તિના ગીતો ગાય છે. જય હિન્દ!

ડૉ વિનોદ કપાસી, OBE