પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગાંધીનગરમાં યોજાનારા એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પો 2022ને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના ગુરુવારે સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ અંગે જાહેરાત કરી હતી. આ એક્સ્પો 10 માર્ચે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે એક્સપોમાં ભાગ લેનારાઓ સામાન પહોંચાડવામાં લોજિસ્ટિકની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાથી તેનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. તેની નવી તારીખો ટૂંકસમયમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોટાપાયે Defence Expo 2022ના આયોજનની તૈયારીઓ ચાલી રહી હતી. ખુદ વડાપ્રધાન મોદી તેનું ઉદ્ઘાટન કરવા આવવાના હોવાની ચર્ચા હતી. જોકે, વાઈબ્રન્ટ ગુજરાત બાદ ગુજરાતમાં યોજાનારી વધુ એક મોટી ઈવેન્ટને મોકૂફ રાખવાનો વારો આવ્યો છે.

ડિફેન્સ એક્સ્પો 2022માં દુનિયાભરની 900 જેટલી કંપનીઓ અને 55 જેટલા દેશ ભાગ લેવાના હતા. ડિફેન્સ, એક્સ્પો 2022ને એશિયાનો સૌથી મોટો એક્સપો પણ ગણાવાઈ રહ્યો હતો. જે 900 જેટલી કંપનીઓ તેમાં ભાગ લેવાની હતી તેમાંથી 100 વિદેશી કંપનીઓ હતી. તેમાં ડિફેન્સ સેક્ટર સાથે સંકળાયેલા સ્ટાર્ટ-અપ્સની માહિતી મેળવી તેમાં રોકાણની તક શોધવા વેન્ચર કેપિટાલિસ્ટ પણ આવવાના હતા. એક્ઝિબિશન દરમિયાન એક હજાર ડ્રોનનું પણ પ્રદર્શન યોજાવાનું હતું. તેમાં વિદેશી ડેલિગેટ્સ આવવાના હતા, જેમાં 50 જેટલા સંરક્ષણ પ્રધાનો અથવા લશ્કરી વડાઓ પણ સામેલ થવાના હતા.

2014 સુધી માત્ર દિલ્હીમાં જ ડિફેન્સ એક્સપોનું આયોજન થતું હતું. જોકે ત્યારબાદ તેના સ્થળોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 2016માં ગોવામાં, 2018માં ચેન્નઈ તેમજ 2020માં લખનઉમાં ડિફેન્સ એક્સપોનું આયોજન થયું હતું. આ વર્ષે ગુજરાતમાં તેનું આયોજન થવાનું હતું. રિવરફ્રંટ પર તેની મોટાપાયે તૈયારી છેલ્લા કેટલાક સમયથી હાથ ધરવામાં આવી રહી હતી. જેના ભાગરુપે આવતીકાલથી રિવરફ્રંટના બંને તરફના રસ્તા બંધ કરી દેવા પણ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી દીધું હતું. ગાંધીનગર અને અમદાવાદ રિવરફ્રંટ પર મોટાપાયે લશ્કરી સામાન લાવી પણ દેવામાં આવ્યો હતો, પરંતુ હવે આ એક્સપો ક્યારે યોજાશે તેની કોઈ સ્પષ્ટતા નથી થઈ શકી.