પ્રતિક તસવીર

ડોકટરોએ ડ્રિંક-ડ્રાઇવની મર્યાદા કડક કરવાની માંગ કરી છે જેથી લોકો બીયર અથવા વાઇનના ગ્લાસ પીધા પછી કાર હંકારી જ ન શકે.

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 100 એમએલ રક્ત દીઠ 80 એમજી આલ્કોહોલની કાયદેસર મર્યાદા 1967માં નક્કી કરવામાં આવી હતી અને તે યુરોપમાં સૌથી વધુ છે. એનો અર્થ એ છે કે મોટા ભાગના લોકો એકથી બે ડ્રિંક્સ પીધા બાદ ડ્રાઇવીંગ કરી શકે છે. પરંતુ પોલીસ વાહન ચલાવતા પહેલા દારૂ ન પીવાની સલાહ આપે છે.

બ્રિટિશ મેડિકલ એસોસિએશને લિવરપૂલમાં તેની વાર્ષિક કોન્ફરન્સમાં આ મર્યાદા ઘટાડીને 50 એમજી કરવાની તરફેણમાં એક પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જો તેને મંજૂરી મળશે તો ઇંગ્લેન્ડ અને વેલ્સ પણ સ્કોટલેન્ડ સાથે જોડાશે. પરંતુ ટીકાકારો દલીલ કરે છે કે આવા પગલાથી પબ ઉદ્યોગને નુકસાન થશે. સંશોધન દર્શાવે છે કે 100 મીલી લોહીમાં 80 એમજી આલ્કોહોલ હોય તો કાર અકસ્માત થવાનું જોખમ સામાન્ય સ્થિતી કરતા લગભગ ત્રણ ગણું વધી જાય છે.

ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને મોટાભાગના યુરોપમાં 50mgની બ્લડ આલ્કોહોલની મર્યાદા છે, જે લગભગ એક નાના ગ્લાસ વાઇનની બરાબર છે.

બ્રિટિશ મેડિકલ એસોસિએશનના પ્રમુખ સર ઈયાન ગિલમોરે કહ્યું હતું કે “મારી પસંદગી તો 20 મિલિગ્રામ સુધી જવાની છે. યુકેમાં દારૂ પીને થતા ડ્રાઇવિંગને કારણે દર વર્ષે 220 મૃત્યુ અને 6,480 જાનહાનિ થાય છે. મર્યાદાથી વધુ પ્રમાણમાં દારૂ પીનાર ચાલકને મહત્તમ છ મહિનાની જેલ, અમર્યાદિત દંડ અને ઓછામાં ઓછા એક વર્ષનો પ્રતિબંધ મળી શકે છે.

LEAVE A REPLY