મુખ્‍ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ શુક્રવારે પારડી તાલુકાના ધગડમાળ ખાતેથી બહુધા આદિવાસી વસતિ ધરાવતા વલસાડ જિલ્લાના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂા.૧૪પ.૧૪ કરોડના ખર્ચે સાકાર થનાર પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાઓના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રૂા.૩પ.૮૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર પંચલાઇ વિયર આધારિત પારડી જુથ પાણી પુરવઠા યોજના પેકેજ-ર, આ યોજના સાકાર થતાં પારડી તાલુકાના ૨૪ ગામોની ૭૩ હજાર કરતાં વધુ વસતિને પીવાનું પાણી મળશે. રૂા.૬૧.૧૨ કરોડની પંચલાઇ વિયર આધારિત વલસાડ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પેકેજ-૧, જેનાથી વલસાડ તાલુકાના ૪૭ ગામોની આશરે ૧.૩૦ લાખ જેટલી વસતીને પીવાના પાણીનો લાભ મળશે. આ ઉપરાંત રૂા. ૩૮.૦૨ કરોડની દમણગંગા આધારિત વાપી જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ વાપી તાલુકાના ૨પ ગામોના ૨૯૮ ફળિયાઓની અંદાજે ૧.૩૦ લાખ જેટલી વસતી, રૂા. ૪.૮૩ કરોડની ઔરંગા નદી આધારિત કાંજણહરી જૂથ યોજના હેઠળ ફળીયા કનેક્‍ટીવીટી યોજનાથી વલસાડ તાલુકાના ૬ ગામોના ૪૯ ફળિયાની ૧૮ હજાર કરતાં વધુ વસતી તેમજ રૂા. પ.૩પ કરોડની પાર નદી આધારિત કોસમકૂવા સિંચાઇ જૂથ હેઠળ વલસાડ તાલુકાના ૧૨ ગામોના પ૭ ફળિયાની ૩૧ હજાર જેટલી વસતિ લાભાન્‍વિત થશે. આ તમામ યોજનાઓના સાકાર થતાં વલસાડ જિલ્લાના પારડી, વલસાડ અને વાપી તાલુકાના ૧૧૪ ગામોની ૩,૮૨,૪૪૭ વસતિને પીવાનું શુદ્ધ પાણી મળશે. વલસાડ જિલ્લામાં પીવાના પાણીની સમસ્‍યા નિવારવા રૂા.૧પ૦૦ કરોડના વિવિધ કામો ચાલી રહયા છે.
મુખ્‍ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં પીવાના પાણી માટે ટેન્‍કરો ચાલતા હતા અને ભ્રષ્‍ટાચાર ફૂલ્‍યોફાલ્‍યો હતો. અમારી સરકારે ટેન્‍કરમુક્‍ત ગુજરાત બનાવ્‍યું છે. એટલું જ નહીં સરકારે છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂા.૧૮ હજાર કરોડની પાક ઉપજની ખરીદી કરી છે. ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજયના ૧૧૦૦ ગામડાઓને લાભ મળી રહયો છે.
અમારી સરકાર ગરીબો, પીડિતો, ખેડૂતો, આદિવાસીઓની સરકાર છે. આદિવાસીઓના કલ્‍યાણ માટે પેસા એકટની અમલવારી, આદિવાસીઓને જમીન માલિકીના હક્ક આપવા ઉપરાંત આદિવાસી વિસ્‍તારમાં મેડીકલ કૉલેજ, એકલવ્‍ય શાળા અને વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરી છે. આદિવાસીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્‍કર્ષ માટે વનબંધુ કલ્‍યાણ યોજના અમલમાં મૂકી છે. જેને પરિણામે આદિવાસીઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્‍યું છે.
કોરોના કાળમાં પણ ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી. છેલ્લા પાંચ માસમાં રાજ્‍યમાં ૨૦ હજાર કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવામાં આવ્‍યું છે.
વડાપ્રધાનશ્રીના જાન હૈ તો જહાન હૈ ના સૂત્રને ચરિતાર્થ કરી કોરોના કાળમાં લોકોના જાનના રક્ષણ સાથે રાજ્‍યમાં આર્થિક ગતિવિધિઓ અને રોજિંદુ જીવન ચાલુ રહે તેવી અસરકારક વ્‍યવસ્‍થાઓ કરી હતી. તેમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, રાજયમાં ૨.૧૦ લાખ જેટલા લોકો કોરોનાથી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. એટલું જ નહીં રાજ્‍યમાં મૃત્‍યુદર પણ બે ટકાથી નીચો રહ્યો છે. આવનાર દિવસોમાં કોરોના સામે વેકસીન ઉપલબ્‍ધ થનાર છે, ત્‍યારે રાજ્‍યમાં ડોકટર, પેરા મેડીકલ સ્‍ટાફ અને પ૦ વર્ષથી ઉપરની વય ધરાવતા અને છેવાડાના વિસ્‍તારોમાં અસરકારક રસીકરણ માટેનું નક્કર આયોજન કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વિરોધીઓને આડે હાથ લેતાં જણાવ્‍યું કે, ખેડૂતોના નામે કોંગ્રેસ મગરના આંસુ સારવા નીકળી છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે મુક્‍ત બજારની વકાલત કરી હતી, પરંતુ કેન્‍દ્રની સરકારે કૃષિ સુધાર કાયદાનો અમલ કર્યો છે, ત્‍યારે ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવા ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. પરંતુ ગુજરાતના શાણા ખેડૂતો તેનાથી ભ્રમિત થવાના નથી.