પેન્ટાગોનમાં ઉંચ્ચ હોદ્દો ધરાવતા ગુજરાતી મૂળના અધિકારી કાશ પટેલે તેમની વિરુદ્ધ ખોટા અને બદનકશીભર્યા સમાચાર પ્રસારિત કરવા બદલ ટીવી ચેનલ સીએનએન અને તેના કેટલાક ટોચના રીપોર્ટર્સ સામે પાંચ મિલિયન ડોલર બદનકક્ષીનો કેસ કર્યો હતો.
ફોક્સ ન્યૂઝના જણાવ્યા મુજબ અમેરિકાના કાર્યકારી ડિફેન્સ સેક્રેટરી ક્રિસ્ટોફર મિલરના વર્તમાન ચીફ ઓફ સ્ટાફ કાશ પટેલે શુકવારે સીએનએન અને તેના ઘણા રીપોર્ટસ સામે વર્જિનિયાની કોર્ટમાં કેસ કર્યો હતો.
પેન્ટાગોનમાં ફરજ બજાવતા અગાઉ વ્હાઇટ હાઉસમાં સેવા આપી ચૂકેલા કાશ પટેલે પોતાના કેસમાં આરોપ મૂક્યો હતો કે સીએનએન દ્વારા 24 નવેમ્બરથી ચાર ડિસેમ્બર વચ્ચે મારી સામે શ્રેણીબદ્ધ બદનક્ષી ભર્યા અને ખોટા રીપોર્ટ્સ પ્રકાશિત કર્યા હતા.
કેલિફોર્નિયાના રિપબ્લીકન પ્રતિનિધિ ડેવિન ન્યૂન્સના અગ્રણી સાથી રહી ચૂકેલા કાશ પટેલ માટે સીએનએનના આર્ટિકલમાં પટેલને ટ્રમ્પ તરફી ષડયંત્રકાર જેવા તદ્દન પાયા વિહોણા દર્શાવ્યા હતા.
તેમના એટર્ની સ્ટીવન એસ બિસ્સે જણાવ્યું હતું કે, ‘તેમણે પ્રકાશિત કરેલા નિવેદનો બદનકક્ષીભર્યા અને પટેલ સામે ભેદભાવપૂર્ણ તેમજ બદલાની ભાવના સાથેના હતા. તે તમામ નિવેદનો 2018થી અત્યાર સુધી કાશ પટેલને બદનામ કરવા એક મોટું ષડયંત્રનો એક હિસ્સો હતો. તે પાયાવિહોણા ડાબેરી રાજકારણનો પ્રચાર કરવાના બદઇરાદાપૂર્વકના આર્ટિકલ્સ હતા’.
ફોક્સ ન્યૂઝે જણાવ્યું હતું કે, આ કેસ અંગે સીએનએનને પૂછતા તેમણે તાત્કાલિક કંઇ પણ કહેવા ઇનકાર કર્યો હતો. ન્યૂયોર્કમાં જન્મેલા કાશ પટેલનો ગુજરાત સાથે સંબંધ છે. તેમના માતા-પિતા પૂર્વ આફ્રિકાથી અહીં આવ્યા હતા. તેમના માતા માતા તાન્ઝાનિયાના અને પિતા યુગાન્ડાના વતની છે. તેઓ વર્ષ 1970માં કેનેડાથી અમેરિકા આવ્યા હતા.