બ્રિટિશ વર્જિન આઇલેન્ડના પ્રીમિયર અને ચીફ પોર્ટ ઓફિસરની ગુરુવારે મિયામી એરીયા એરપોર્ટ પરથી કોકેઇનની હેરાફેરીના ષડયંત્રના આરોપમાં ધરપકડ કરવામાં આવી હોવાનું યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી (DEA)એ જણાવ્યું હતું.
મિયામી હેરાલ્ડ અખબારના રીપોર્ટ અનુસાર અંડરકવર એજન્ટ્સ તરીકે કાર્યરત એવા મેક્સિકન ડ્રગ ટ્રાફિકર્સ પાસે કથિત લાંચ લેવા સહમત થવા બદલ DEA એજન્ટ્સ દ્વારા મિયામી-ઓપા-લોકા એક્ઝિક્યુટિવ એરપોર્ટ પરથી પ્રીમિયર એન્ડ્રુ ફાહી અને બીવીઆિ પોર્ટ ઓથોરિટીના મેનેજિંગ ડાયરેક્ટર ઓલીઅનવાઇન મેનાર્ડને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
અમેરિકન સત્તાધિશોને ટાંકીને આ અખબારમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ફાહી અને મેનાર્ડે સાત લાખ ડોલર લાવી રહેલા વિમાનનું નિરીક્ષણ કરવાનું હતું, જે તેમને તેમના કેરેબિયન વિસ્તારમાં કોકેઈન શિપમેન્ટ મોકલવાના બદલામાં મળવાના હતા.
આ અંગે ડીઇએના એડમિનિસ્ટ્રેટર એન્ન મિલગ્રામે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ અધિકારીઓની ધરપકડથી એક સ્પષ્ટ સંદેશો જાય છે કે, જે કોઇનીપણ અમેરિકામાં ખતરનાક ડ્રગ્સ લાવમાં સંડોવણી હશે તેને સકંજામાં લેવાશે, ભલે તે પછી કોઇપણ હોદ્દા પર કાર્યરત હોય.’
કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સમાં દર્શાવવામાં આવ્યું છે કે, ફાહી, મેનાર્ડ અને મેનાર્ડના પુત્ર પર પાંચ કિલોગ્રામ કે તેથી વધુ કોકેઇનની આયાત કરવાનો અને મની લોન્ડરીંગનું ષડયંત્ર ઘડવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
બ્રિટિશ વર્જિન આઇલેન્ડના ગવર્નર જોન રેનકિને જણાવ્યું હતું કે, અમેરિકાના ડીઇએ દ્વારા આ ધરપકડ કરવામાં આવી છે. રેન્કિને જણાવ્યું હતું કે, ફાહી સરકારમાં ભ્રષ્ટાચારની વર્તમાન બ્રિટિશ તપાસને આ ધરપકડ સાથે કોઈ સંબંધ નથી.
બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં અંદાજે 35 હજાર લોકો વસે છે અને તે યુકેથી બહારનો પ્રદેશ છે, જ્યાં તેને આંશિક સ્વાયત્તતા આપવામાં આવી છે.
બ્રિટિશ સરકારની ભલામણ પર રાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા ગવર્નર તરીકે રેન્કિનની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘હું સમજું છું કે આ પ્રદેશના લોકો માટે આ આઘાતજનક સમાચાર હશે. પરંતુ હું આ સમયે તેમને શાંત રહેવાનો અનુરોધ કરીશ.’ તેમણે નોંધ્યું હતું કે, હવે વચગાળાના પ્રીમિયર તરીકે ડેપ્યુટી પ્રીમિયર જવાબદારી સંભાળશે.