Action Images via Reuters/Lee Smith

ઑસ્ટ્રેલિયા સામે હેડિંગ્લે ખાતે રમાયેલી એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે 3 વિકેટે વિજય સાથે સિરિઝ જીવંત રાખી છે. ચોથી ઇનિંગમાં બેન સ્ટોક્સની ટીમ માટે 251 રનનો ટાર્ગેટ વિજય માટે નિશ્ચિત થયો હતો. ઓસ્ટ્રેલિયાએ નિયમિત અંતરે વિકેટો લીધી હતી, પણ આખરે ઈંગ્લેન્ડે સાત વિકેટે 254 રન કરી ઉત્તેજનાપૂર્ણ વિજય હાંસલ કર્યો હતો.

જો કે, 93 રને ત્રીજી વિકેટ ગુમાવ્યા પછી આવેલા હેરી બ્રુકે એક છેડો લગભગ છેક સુધી ટકાવી રાખ્યો હતો. સાતમી વિકેટરૂપે બ્રુક આઉટ થયો ત્યારે ઈંગ્લેન્ડ માટે વિજય ફક્ત 21 રન દૂર હતો અને આખરે ઓસ્ટ્રેલિયાનો ત્રણ વિકેટે પરાજય થયો હતો. બ્રુકે 93 બોલમાં 75 રન કર્યા હતા. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની પાંચ અને બીજી ઈનિંગમાં બે વિકેટ લેવા બદલ ઈંગ્લેન્ડના બોલર માર્ક વુડને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. ઈંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સે ટોસ જીતી ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ લેવા મેદાનમાં ઉતાર્યું હતું. કાંગારૂઓએ પહેલી ઈનિંગમાં 263 રન કર્યા હતા. મિચેલ માર્શે 118 અને ટ્રેવિસ હેડે 39 રન કર્યા હતા, તો માર્ક વુડની પાંચ ઉપરાંત ક્રિસ વોક્સે 3 અને બ્રોડે બે વિકેટ લીધી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 237 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે, ઓસ્ટ્રેલિયાને 26 રનની લીડ મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી સુકાની બેન સ્ટોક્સે 80 અને ઝેક ક્રોલીએ 33 રન કર્યા હતા, તો ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે 6 અને મિચેલ સ્ટાર્કે બે વિકેટ લીધી હતી. 

બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા 224 રનમાં ઓલઆઉટ થયું હતું. ઉસ્માન ખ્વાજાએ 43, લબુશેને 33 અને ટ્રેવિસ હેડે 77 રન કર્યા હતા, તો ઈંગ્લેન્ડ તરફથી બ્રોડ અને વોક્સે 3-3 તથા વુડ અને મોઈન અલીએ 2-2 વિકેટ લીધી હતી. 

LEAVE A REPLY

five × 3 =