ANI Photo)

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠામહોત્સવ યોજાવાનો છે. વિશ્વભરના હિન્દુઓમાં આ બાબતે ભારે ઉત્સાહ છે. આમાં અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયના લોકો પણ બાકાત નથી. અમેરિકાના હિન્દુઓએ આ ઐતિહાસિક ઘટનાની એક મહિના સુધી ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. ગત શનિવારે વોશિંગ્ટન ડીસીના ઉપનગરીય વિસ્તારોમાં આ કાર રેલી કાઢવામાં આવી હતી.

હિન્દુ સમુદાયના ઘણા સભ્યો શનિવારે મેરીલેન્ડ નજીકના ફ્રેડરિક સિટીમાં શ્રી ભક્ત અંજનેય મંદિરમાં એકઠા થયા હતા અને રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે કાર રેલી કાઢી હતી. અમેરિકામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મહેન્દ્ર સાપાએ કહ્યું કે હિન્દુઓના 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. અમે અમેરિકામાં પણ આ ઐતિહાસિક અવસરની ઉજવણી કરી રહ્યા છીએ. 20 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં લગભગ 1000 હિન્દુ પરિવારો સાથે ઐતિહાસિક ઉજવણી કરવામાં આવશે.

સાપાએ જણાવ્યું હતું કે ઉત્સવ દરમિયાન રામલીલાનું પણ આયોજન કરવામાં આવશે. આ સાથે ભગવાન શ્રી રામની કથાઓ, ભગવાન રામની આરતી અને ભજનો પણ ગાવામાં આવશે. આ દરમિયાન અમેરિકામાં જન્મેલા બાળકોને ભગવાન રામના જીવન વિશે પણ જણાવવામાં આવશે. આ ઉજવણીના કો-ઓર્ડિનેટર અને સ્થાનિક તમિલ હિન્દુ નેતા પ્રેમ કુમાર સ્વામીનાથને કાર રેલી દરમિયાન તમિલ ભાષામાં ભગવાન રામનું ભજન ગાયું હતું અને 20 જાન્યુઆરીએ ઉજવણી માટે તમામ પરિવારોને આમંત્રણ પણ આપ્યું હતું.

કાર રેલીમાં હાજર અન્ય લોકોએ કન્નડ, તેલુગુ અને અન્ય ભારતીય ભાષાઓમાં ભગવાન શ્રી રામના મહત્વ વિશે પણ વાત કરી હતી. આ કાર રેલીનું આયોજન કૃષ્ણ ગુડીપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

5 × 5 =