(Photo BY SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તાએ એક ઈન્ટરવ્યૂમાં તાજેતરમાં  જણાવ્યુ હતું કે, કરિયરની શરૂઆતમાં નાક તિક્ષ્ણ કરાવવાનું લોકો કહેતા હતા. ઘણાને મારું નાક રાઉન્ડ લાગતું હતું. બહુ સમય અગાઉ લોકોએ સ્કિનને ફેર બનાવવા માટે ઈન્જેક્શન લેવાનું કહ્યું હતું અને હું થોડાક સમય માટે દોરવાઈ પણ હતી. રૂ.9000ની કિંમતના આવા ઈન્જેક્શન શોધી પણ કાઢ્યા હતા. હું કોઈનું નામ નહીં આપું, આપણી ઘણી એક્ટ્રેસને તમે ફેર સ્કિન સાથે જોઈ શકશો.  એશાનું માનવું છે કે, એક્ટ્રેસ પર સુંદર દેખાવા માટે હંમેશા દબાણ રહેતું હોય છે. પોતાની દીકરી એક્ટ્રેસ ન બને તેવી એશાની ઈચ્છા છે, નહીં તો તેણે પણ નાની ઉંમરથી સુંદર દેખાવાનું પ્રેશર વેઠવું પડશે અને નોર્મલ રીતે જીવી શકશે નહીં. એશા છેલ્લે 2019ના વર્ષમાં ટોટલ ધમાલ અને વન ડે જસ્ટિસ ડિલિવર્ડમાં જોવા મળી હતી. તેણે નકાબ અને રીજેક્ટએક્સ જેવી વેબ સિરિઝમાં પણ કામ કર્યું છે. બોબી દેઓલ સાથે આશ્રમ-3માં બોલ્ડ સીન્સના કારણે એશા હાલ ચર્ચામાં છે. આશ્રમની ચોથી સિઝનમાં પણ એશા જોવા મળશે.

એશા ગુપ્તાએ વેબ સિરિઝથી એક્ટિંગમાં કમબેક કર્યું છે. 2012ના વર્ષમાં જન્નત 2થી બોલિવૂડમાં ડેબ્યુ કરનારી એશાએ પ્રકાશ જ્હાની ફિલ્મ ચક્રવ્યૂહ પણ કરી હતી. બાદમાં રાઝ 3ડી અને બાદશાહો સહિત કેટલીક યાદગાર ફિલ્મો આપી હતી. જોકે કરિયરની શરૂઆતમાં એશાને વિચિત્ર સલાહો મળતી હતી. આવી જ એક સલાહ ફેર સ્કિન માટે રૂ.9000ની કિંમતના ઈન્જેક્શન લેવા માટેની હતી.