યુરોપિયન યુનિયન (ઇયુ)ના વડા વોન ડેર લીયેને તાજેતરમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 સામે રક્ષણ મેળવવા માટે ઇયુમાં 70 ટકા વયસ્ક લોકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે.
લીયેને એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ‘આજે આપણે રસીકરણ અભિયાનના મહત્વના મુકામ પર પહોંચ્યા છે. ઇયુમાં 70 ટકા વયસ્કોનું સંપૂર્ણ રસીકરણ થઇ ચૂક્યું છે એટલે કે 250 મિલિયન જેટલા લોકો સંપૂર્ણ રોગ પ્રતિકારક બની ગયા છે. યુરોપિયન કમિશનના વડા વોન ડેર લીયેન ઇયુના 27 સભ્ય દેશોમાં રસીકરણની વ્યવસ્થા સંભાળે છે. તેમણે જુલાઇમાં જાહેરાત કરી હતી કે, ઇયુમાં 70 વયસ્ક લોકોએ ઓછામાં ઓછો એક ડોઝ લઇ લીધો છે. કોરોના વાઇરસ મહામારી સામેની વૈશ્વિક લડત હવે ડેલ્ટા વેરિઅંટ સામે પ્રભાવક છે, જે કોવિડ-19 કોરોના વાઇરસનો વધુ ચેપી પ્રકાર છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ભય છે કે, મહામારીને કારણે યુરોપમાં 1 ડિસેમ્બર સુધીમાં વધુ 236,000 લોકોના મૃત્યુ થઇ શકે છે અને તેણે ઇયુમાં રસીકરણની સ્થિર ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
બ્રસેલ્સે સભ્ય દેશો વચ્ચે રસીકરણ દરમાં ‘ચિંતાજનક તફાવત’ ઘટાડવાની ઇયુની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને જો વૈજ્ઞાનિક આંકડા તેની જરૂરિયાતની ખાતરી આપે તો પ્રતિરક્ષા વધારવા માટે નવા ડોઝના ઇન્જેક્શન માટે તૈયાર રહેવા રાષ્ટ્રીય સત્તાવાળાઓને વિનંતી કરી છે.
બલ્ગેરિયામાં સંપૂર્ણ રસીકરણ થયું હોય તેવા વયસ્ક લોકોની સંખ્યા 20 ટકા જ છે, જ્યારે રોમાનિયામાં 32.8 ટકા, સ્લોવેકિયામાં 49 ટકા અને પોલેન્ડમાં 58.1 ટકા સંપૂર્ણ રસીકરણ નોંધાયું છે.
જ્યારે યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રીવેન્શન એન્ડ કંટ્રોલના આંકડા મુજબ ફ્રાંસમાં 72.5, જર્મનીમાં 70.6, સ્પેનમાં 76.7 અને આયર્લેન્ડમાં 85.5 ટકા રસીકરણ થયું છે.