via Getty Images)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાગુ કરવામાં આવેલું દેશવ્યાપી લૉકડાઉન કોરોના વાઈરસના સંકટનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યું છે. લૉકડાઉનના આ સમયમાં કોરોનાના કેસ ઘટવાના બદલે વધવા લાગ્યા છે. તેનાથી વિપરિત યુરોપમાં કોરોના મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત ચાર દેશો ઈટાલી, સ્પેન, જર્મની અને બ્રિટનમાં લૉકડાઉન દરમિયાન કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે તેમ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. તેમણે એક ચાર્ટ રજૂ કરીને વધુ એક વખત મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલું લૉકડાઉન નિષ્ફળ ગયો હોવાનો દાવો કર્યો હતો.

રાહુલ ગાંધીએ ટ્વીટર પર એક ગ્રાફ ટ્વીટ કરીને ભારતમાં લાગુ કરાયેલા લૉકડાઉનની નિષ્ફળતા દર્શાવી છે. વધુમાં યુરોપના ચાર દેશોથી વિપરિત ભારતમાં લૉકડાઉન ઉઠાવાયા પછી પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેમ છતાં લૉકડાઉન ઉઠાવાઈ રહ્યું છે.

ગ્રાફ મુજબ સ્પેનમાં ૧૪મી માર્ચે લૉકડાઉન લાગુ કરાયું હતું અને ૨૮મી એપ્રિલે લૉકડાઉન ઉઠાવી લેવાયું. આ સમયમાં ત્યાં કોરોનાનો ગ્રાફ પીક પર પહોંચીને પછી નીચે આવી ચૂક્યો હતો.  એ જ રીતે જર્મનીમાં ૧૭ માર્ચે લૉકડાઉન જાહેર કરાયું અને ૨૨મી એપ્રિલે હટાવી લેવાયું. આ સમયમાં અહીં પણ કોરોનાનો ગ્રાફ ઊપર જઈને નીચે આવી ગયો હતો.

ઈટાલીમાં પણ એકંદરે આવી જ સ્થિતિ હતી. ત્યાં ૮મી માર્ચે લૉકડાઉન લાગુ કરાયું અને ૧૬મી એપ્રિલે હટાવી લેવાયું. ત્યા ંસુધીમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. બ્રિટને ૨૨મી માર્ચે લૉકડાઉન લાગુ કર્યું અને ૧૨મી મેએ હટાવી લીધું. આ સમયમાં અહીં પણ કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. આ ચારેય દેશોએ કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતાં લૉકડાઉન ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો.

જોકે, ભારતનો ગ્રાફ જણાવે છે કે અહીં ૨૫મી માર્ચે દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરાયું અને ૧લી જૂને તેને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ. જોકે, ભારતમાં કોરોનાના કેસ વધવા છતાં લોકડાઉન હટાવવાનો નિર્ણય લેવાયો છે. દેશમાં લૉકડાઉન પછી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ ગ્રાફ દર્શાવે છે કે ભારતમાં કોરોનાને દૂર કરવામાં લૉકડાઉન નિષ્ફળ ગયું છે.