પેરિસના એક અધિકારીના જણાવ્યા અનુસાર પેરિસના પીવા સિવાયના વપરાશના પાણીમાંથી કોરોના વાયરસના “માઈનસક્યૂલ અંશ ” મળી આવતા હાહાકાર મચી ગયો છે. રોડ-રસ્તાની સાફ-સફાઈ માટે વપરાતા પાણીમાં કોરોના વાયરસના અંશ મળી આવ્યા છે. જોકે, પીવાના પાણીમાં આ વાયરસનો કોઈ ખતરો જોવા મળ્યો નથી.

પેરીસના વોટર ઓથોરિટીની પ્રયોગશાળાએ પાટનગરમાંથી એકઠા કરેલા પાણીના 27 નમૂનાઓમાંથી ચાર નમૂનામાં સામાન્ય પ્રમાણમાં વાયરસના અંશ જોવા મળ્યા હતા. સાવધાની વર્તતા આ પાણીના સ્ત્રોતને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે.

શહેરના પર્યાવરણીય અધિકારી, Blauelએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ‘પીવાનું પાણી સંપૂર્ણપણે સ્વતંત્ર સ્ત્રોતમાંથી પૂરુ પાડવામાં આવે છે તેથી કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર લોકો પાણી પી શકે છે, તે બિલકુલ સુરક્ષિત છે.’
સીન નદી અને Ourcq કેનાલમાંથી ખેંચાયેલા બિન પીવાલાયક પાણીનો ઉપયોગ શહેરના બગીચાઓ તેમજ રોડ-રસ્તાઓની સાફ-સફાઈ માટે તેમજ સુશોભન માટે મુકાયેલા ફુવારાઓ માટે કરવામાં આવે છે.

જોકે, હાલ તે પાણી સામાન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું છે.  Blauelએ જણાવ્યું છે કે પેરિસ શહેરને ફરીથી દોડતું કરવા માટે કેવા પગલા લેવા તે માટે તેમજ કોરોના વાયરસના જોખમ સામે લડવા માટેના વિશ્લેષણ માટે પ્રાદેશિક આરોગ્ય એજન્સીની સલાહ લેવાઈ રહી છે.