ભારત સરકાર દ્વારા અશ્લીલતા ફેલાવતા 25 ડિજિટલ (ઓટીટી) પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય પછી હવે આવા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી શકાશે નહીં. સરકારે આવા જે પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, તેમાં ઓલ્ટ બાલાજી અને ઉલ્લુ જેવા ઓટીટી પ્લેટફોર્મ પણ સામેલ છે. સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના આ નિર્ણયનું ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સ્વાગત કર્યું છે. આ અંગે પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે, આ ખૂબ સારો નિર્ણય છે. હું આ બંને એપ્સ ઉલ્લુ અને ઓલ્ટ બાલાજીના કન્ટેન્ટ અંગે વાત કરી રહી હતી. મેં સંચાર અને આઈટી બાબતોની સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. મને ખુશી છે કે, મંત્રાલયે આ બાબત પર ધ્યાન આપ્યું અને જે જરૂરી હતું તે પહેલા જ કરી દીધું હતું. કેન્દ્ર સરકારે જે એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, તેમાં બિગ શોટ્સ એપ, દેસીફ્લિક્સ, બૂમેક્સ, નવરસા લાઇટ અને ગુલાબ એપનો પણ સમાવેશ થાય છે.
